મહાપાલિકાની હદમાં ભળેલા વિસ્તારોમાં ડીપી અને ટીપીના રોડ ખુલ્લા કરાવવા મોટાપાયે બુલડોઝર ફેરવાશે
મહાનગરપાલિકાની ચૂંટણીના કારણે છેલ્લા ત્રણેક મહિનાથી ડિમોલીશનની કામગીરી સંપૂર્ણપણે બંધ જેવી છે. દરમિયાન આગામી જૂન માસથી ચોમાસાના કારણે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ડિમોલીશન કરી શકાતું નથી. આવામાં હવે હોળીના તહેવારો પૂર્ણ થતાંની સાથે જ કોર્પોરેશન દ્વારા ડિમોલીશનની ધણધણાટી બોલાવવામાં આવશે. નવા વિસ્તારોને ખાસ ટાર્ગેટ કરવામાં આવશે અને ટીપી તથા ડીપીના રોડ પુરા કરાવવા મોટાપાયે બુલડોઝર ફેરવી દેવાશે.
આ અંગે ટીપી શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હોળી-ધૂળેટીના તહેવાર પૂર્ણ થતાંની સાથે જ મોટાપાયે ડિમોલીશનની તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે. ગત વર્ષે મહાપાલિકાની હદમાં માધાપર, મુંજકા, મોટામવા, ઘંટેશ્ર્વર અને મનહરપુરા વિસ્તાર કે જ્યાં ટીપી અને ડીપીના રોડ પર દબાણો ખડકાયેલા છે તે દૂર કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરભરમાં કોર્પોરેશનના અલગ અલગ હેતુના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો હટાવવા મોટાપાયે બુલડોઝરની ધણધણાટી બોલાવવામાં આવશે.છેલ્લા ત્રણેક મહિનાથી ડિમોલીશનની કામગીરી બંધ જેવી છે. દરમિયાન 15 જૂન બાદ પણ સુપ્રીમના આદેશ મુજબ ચોમાસામાં ડિમોલીશન કરી શકાતુ નથી. આવામાં હવે માત્ર અઢી મહિનાનો જ સમય બાકી હોય મહાપાલિકા દ્વારા હોળી-ધૂળેટીના તહેવારો પૂર્ણ થતાંની સાથે જ ડિમોલીશન હાથ ધરવામાં આવશે.
મહાપાલિકાની ચૂંટણીનો લાભ લઈ કેટલાક દબાણકર્તાઓ દ્વારા સુચિત સોસાયટીઓમાં ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે.
હવે હોળી અને ધુળેટીના તહેવાર બાદ તંત્ર દ્વારા માત્ર સરકારી જમીન પર ખડકાયેલા દબાણો દુર કરવા માટે જ ડિમોલીશન હાથ ધરવામાં આવશે કે પછી સુચિતમાં દબાણકર્તાઓ સામે પણ લાલ આંખ કરવામાં આવશે તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. છેલ્લા ત્રણેક માસથી ડિમોલીશનની કામગીરી મહદઅંશે બંધ હોવાના કારણે સુચિતમાં બાંધકામના રાફડા ફાટયા છે.