ફેરિયાઓના ત્રાસથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા: મેયર પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર આનંદ પટેલને આવેદન અપાયું
શહેરના ઐતિહાસિક રોડ સર લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, દિવાનપરા રોડ, ખડપીઠ વિગેરે વિસ્તારમાં ફેરીયાઓ અને રેંકડીવાળાઓનો ત્રાસ અસહ્ય બનતો જાય છે.છ માસ પહેલા વેપારીઓ આવેદનપત્ર આપેલ હોવા છતાં આજે પરિસ્થિતિ જૈસે થે જેવી બની ગયેલ છે, ફક્ત રવિવારે કોર્પોરેશનનો સ્ટાફ આવે એટલી જ વાર ફેરીયાઓ આઘાપાછા થઈ જાય છે અને કોર્પોરેશનની ગાડીઓ ચાલી જતા પાછા રોડ ઉપર ગોઠવાઈ જાય છે. લાખાજીરાજ રોડ ઉપર પ્રખ્યાત ક.બા. ગાંધીનો ડેલો પણ આવેલ છે. જ્યાં પણ દેશ-વિદેશના મુલાકાતીઓ આવતા હોય છે, તેઓ પણ અતિ મુશ્કેલી અનુભવે છે.
ફેરીયાઓ, રેંકડીઓને કાયમી માટે શાસ્ત્રીમેદાન કે રેસકોર્ષ જેવી વોકર્સ ઝોનમાં જગ્યા ફાળવી, આ વિસ્તારને “નો ફેરીયા ઝોન” જાહેર કરવા લેખિતમાં માંગણી છે. દુકાનદાર વેપારી પોતાની દુકાનમાં પણ જઈ ના શકે એટલી હદે આ માથાભારે ફેરીયાઓનો ત્રાસ છે. ખરીદી માટે આવતા ગ્રાહકોને પણ મુશ્કેલીઓ પડતા વેપારીઓ પોતાનો વેપાર-ધંધા ગુમાવી નુકશાની વેઠવી પડે છે. સર લાખાજીરાજ રોડ ઉપર અને આજુબાજુના વિસ્તારમાં બહેનો માટે વોશરૂમ, યુરિનલ ના હોય, 80% ખરીદીમાં આવતી બહેન-દિકરીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
ખડપીઠ ચોકમાં કોર્પોરેશનની માલીકીની અંદાજિત 200 વાર આસપાસ જગ્યા ખાલી જ પડેલ હોય રેંકડીઓ ઉભી રહેતી હોય છે. આ જગ્યાએ લક્ઝરીયસ શૌચાલય બનાવી શકાય એમ છે. રવિવાર ઉપરાંત દરેક દિવસે કોર્પોરેશન સ્ટાફ અને પોલીસ તંત્ર ફેરીયાઓ અને ટ્રાફીક પ્રશ્ર્ને અમો વેપારીઓને સહાયરૂપ થાય તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું. શહેરના ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ સહિતની આસપાસની તમામ બજારોમાં પાટ પાથરણા અને ફેરિયાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને એકવાર ફેરીયાઓ અસામાજિક તત્વ જેવો વ્યવહાર વેપારીઓ સાથે ગાળા ગાળી અને મારામારી પર ઉતરી આવતા હોવાની ફરિયાદો પણ સતત ઊઠી રહી છે.
અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી સપ્તાહમાં એક વખત માત્ર હાજરી પૂરતું ચેકિંગ કરી સંતોષ માની લેવામાં આવે છે કોર્પોરેશન ની દબાણ હટાવ શાખાના સ્ટાફનો પણ દબાણ કરતાં ઉપર કોઈ અંકુશ રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે હવે ત્રાસ વધી રહ્યો હોય વેપારીઓ ત્રાહી મામ પોકારી ગયા છે. જો ટૂંક સમયમાં સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો વેપારીઓ આંદોલન છેડવાના પણ મૂડમાં છે.