રાધામીરા પાર્કમાં ત્રિપલ હત્યાના ગુનામાં પરિવારના મોભીને આજીવન કેદ
રૂ.25 હજારનું દેણું થઇ જતા સોની પરિવારના માતા, પત્ની અને માસુમ પુત્રને પિતા-પુત્રએ ગળાટૂંપો દઇ મોતને ઘાટ ઉતાર્યાથતા
સુનાવણી દરમિયાન વૃધ્ધ પિતાનું મોત થયું: આર્થિક પરિસ્થિતી ધ્યાને લઇ અદાલતે દંડ ન ફટકાર્યો
મોરબી રોડ પર આવેલા રાધામીરા પાર્કના સોની પરિવારના માતા, પત્ની અને માસુમ પુત્રની આર્થિક ભીસના કારણે હત્યા કરવાના ગુનામાં ઝડપાયેલા પરિવારના મોભીને અદાલતે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે રાધા મીરા પાર્કમાં રહેતા પત્ની દિપાલીબેન (ઉ.વ.36), માતા ભારતીબેન જીતેન્દ્રભાઇ (ઉ.વ.65) અને માસુમ પુત્ર માધવ (ઉ.વ.7)નું ગળુ દાબી હત્યા કરવાના ગુનામાં જેલ હવાલે થયેલા અલ્પેશ જીતેન્દ્રભાઇ વજાણી સામેના કેસની સુનાવણી પુરી થતા અધિક સેશન્સ જજ પી.એન.દવેએ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
અલ્પેશભાઇ વજાણી પર રૂા.25 હજારનું દેણું થઇ જતા અને પોતાની આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી તેઓ કંઇ રીતે દેણું ભરપાઇ કરી શકશે તેવી ચિંતાના કારણે ઓકટોમ્બર 2017ના રોજ પોતાના પિતા જીતેન્દ્રભાઇ વજાણીને દેણું ભરવા પોતે સક્ષમ ન હોવાથી સામુહિક આપધાત કરવાનો નિર્ણય કર્યો હતો.
અલ્પેશભાઇ વજાણીએ તેના પિતા જીતેન્દ્રભાઇએ ભારતીબેન, દિપાલીબેન અને માધવનું ગળુ દાબી હત્યા કર્યા બાદ જીતેન્દ્રભાઇ અને તેનો પુત્ર અલ્પેશ એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં રૂા.25 હજારના દેણા અંગેનો ઉલેખ કરી ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરવા ગયા હતા તે પરંતુ બંનેનો આપઘાત કરવાની હિમ્મત ન થતા પરત આવ્યા હતા. પિતા-પુત્રએ પોતાના જ સ્વજનની હત્યા કરી ઘરે ગયા ન હતા. બે-ત્રણ દિવસથી મૃતદેહ બંધ મકાનમાં રહેતા આજુ-બાજુમાં ગંધ આવતા પાડોશીએ પોલીસને જાણ કરતા એક સાથે ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા.
પોલીસે સ્યુસાઇડ નોટના આધારે પિતા-પુત્ર સામે ત્રિપલ મર્ડરનો ગુનો નોધી ધરપકડ કરી હતી. દરમિયાન સુનાવણી પુર્વે જ જીતેન્દ્રભાઇ વજાણીનું મોત નીપજતા તેમની સામેનો કેસ પડતો મુકાયો હતો.
અલ્પેશ વજાણી સામે કેસની સુનાવણી અધિક સેશન્સ જજ પી.એન.દવેની કોર્ટમાં પુરી થતા તેને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સરકાર પક્ષે એડવોકેટ તરીકે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા ઉપસ્થિત રહ્યા હતા.