પુત્રીને સ્કૂલ બસે મૂકી પરત ફરતી વેળાએ નડ્યો અકસ્માત: સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા નિષ્ણાતો અને નર્સ સહિતનો કાફલો ખડેપગે
જાન્યુઆરી માસમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ટ્રાફિક અવેરનેસ માટે કરોડો રૂપિયા ખર્ચો કરતા હોય પરંતુ ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ગણતરીના દિવસો પહેલા જ રાજકોટમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. જેમાં ગઇ કાલે એક કોલેજીયન યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે આજે વહેલી સવારે પણ એક પ્રૌઢે પોતાનો જીવ ગુમાવ્યો છે અને એઈમ્સના ડીનને પણ ગંભીર ઈજાઓ થઈ છે.
રાજકોટ શહેરના સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા અને ગુજરાતની સૌપ્રથમ રાજકોટને ફાળવવામાં આવેલી એઈમ્સમાં એચ.ઓ.ડી. અને ડીન તરીકે ફરજ બજાવતા તબીબનું બાઈક ઘર પાસે બાઈક સ્લીપ થતાં તેઓને ગંભીર ઈજાઓ થઈ છે. જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા સિવિલ હોસ્પિટલના નિષ્ણાતો અને નર્સિંગનો સ્ટાફ ખડેપગે હાજર થઈ ગયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા પેન્ટાગોન ટાવર્સ પાસે રહેતા અને રાજ્યની સૌપ્રથમ રાજકોટને ફાળવવામાં આવેલી એઇમ્સ હોસ્પિટલમાં નિષ્ણાત તથા એચ.ઓ.ડી. અને ડીન તરીકે ફરજ બજાવતા ડો.વિવેક શિવદતભાઈ શર્મા (ઉ.વ.49)ને આજરોજ વહેલી સવારે ઘર પાસે બાઈક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓને તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ બનાવ અંગે જાણવા મળતી વધુ વિગત મુજબ ડીન ડો.વિવેક શર્મા રાબેતા મુજબ આજરોજ વહેલી સવારે પોતાની પુત્રીને સ્કૂલ બસ સુધી મૂકવા માટે પોતાના બાઈક પર ભીમરાવનગર સર્કલ પાસે ગયા હતા. પુત્રીને બસ સ્ટોપ પર ઉતારી તેઓ પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે બાઈક તેમનું બાઈક સ્લીપ થતાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બાઈક સ્લીપ થતાં ડીન લોહિયાળ હાલતમાં રસ્તા પર પડી ગયા હતા. જેથી તેઓને 108 માં તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એઇમ્સના ડીન ડો.વિવેક શર્માને ગંભીર ઈજાઓ થયાની વાત સિવિલમાં વાયુવેગે ફેલાતા હોસ્પિટલના નિષ્ણાતો, સિનિયર તબીબો, એઇમ્સનો સ્ટાફ સહિતનો કાફલો ખડેપગે થઇ ગયો હતો.
જૂના માર્કેટિંગ યાર્ડ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત: બે ઘાયલ
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં જાણે અકસ્માતોની હારમાળા થઈ હોય તેમ અનેક અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં આજરોજ વહેલી સવારે પણ જૂના માર્કેટિંગ યાર્ડ પાસે બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા પ્રૌઢનું મોત નિપજ્યું છે જ્યારે સામે ઘાયલ બે યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજીડેમ પાછળ મંછા નગરમાં રહેતા અને સેંટિંગનું કામકાજ કરતા દલસુખભાઈ આંબાભાઇ ગોવાણી નામના 57 વર્ષીય પ્રૌઢ પોતાનું એક્ટિવા લઈ કામ પર જતા હતા. તે દરમિયાન જૂના માર્કેટિંગ યાર્ડ પાસે પહોંચતા સામેથી આવતા બાઈક સાથે અકસ્માત થતાં દલસુખભાઈ ગોવાણીનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.
જ્યારે સામાપક્ષે સોરઠીયા વાડી પાસે રહેતા ધવલ ભરતભાઈ સાકરીયા (ઉ.વ.20) અને કુવાડવા રોડ પર રહેતા હર્ષ વિજયભાઈ નકુમ (ઉ.વ.19) નામના બંને યુવાનને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.