રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરનગર ખાતે આવેલ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લઈને માસુબેન મકવાણા, અંબાબેન તળાવીયા અને જશુબેન રાઠોડની ત્રિપુટીએ ભારે સંઘર્ષ કરીને કોરોનાને હરાવ્યો છે. કોરોનાની બીજી લહેરનો સામનો કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વીરનગર ખાતેની શિવાનંદ અધ્વર્યુ આંખની હોસ્પિટલ ખાતે 19 એપ્રિલથી ડેડીકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ અને કોવિડ કેર સેન્ટર યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દીઓ માટે 15 બેડ અને કોરોનાના હળવા લક્ષણો ધરાવતા માટે દર્દીઓ માટેના 15 બેડ સહિત હાલ તાત્કાલિક કુલ 30 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેન્ટર શરૂ થયું એ જ દિવસે 65 થી 70 વર્ષની ઉંમરના અને ઓક્સિજનનું 85 લેવલ ધરાવતા માસુબેન, અંબાબેન અને જશુબેનને જુદા જુદા સમયે આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ સેન્ટરના નોડલ ઓફિસર ધવલ ગોસાઈ તથા મેડિકલ ઓફિસર ડો. વિધિ વાઘેલા, ડો. શીતલ મેનીયા, ડો. નીલેશ બાંભણીયા અને ડો. હેતલ નકુમે તેમની યોગ્ય સારવાર કરી, અને આ ત્રણ મહિલાઓએ પણ પુરા જોમ-જુસ્સાથી સારવારમાં સહકાર આપ્યો દ્રઢ મનોબળ કેળવ્યો અને સંપૂર્ણ હકારાત્મક અભિગમ સાથે કોરોનાને પછડાટ આપી.
ડોક્ટર ધવલ ગોસાઇએ જણાવ્યું હતું કે આ ત્રણેય મહિલાઓનું ઇન્ફેક્શન લેવલ વધુ હોવાથી અમે તેમને ધીરજ રાખીને સારવારમાં સહકાર આપવાનું જણાવ્યું હતું, જે માટે આ ત્રણેય મહિલાઓ વિધેયાત્મક પ્રત્યુત્તર આપવા સંમત થઇ હતી. જેના પરિણામે માત્ર પાંચ જ દિવસના ટૂંકા ગાળામાં આ ત્રણેય મહિલાઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી છે, જેનો અમને તથા તેમના કુટુંબીજનોને ખૂબ જ આનંદ છે. ડોક્ટર ધવલ ગોસાઇએ ઉમેર્યું હતું કે જિલ્લા પંચાયતના સભ્યશ્રી પરેશભાઇ રાદડિયાના પ્રયત્નોથી વીરનગર ખાતેના કોવિડ કેર સેન્ટર ખાતે 3 ઓક્સિજન કોન્સન્ટ્રેશન મશીન ઉપલબ્ધ કરાવાયા છે, જે 80 થી 90 સુધીના ઓક્સિજન લેવલ ધરાવતા દર્દીઓની સારવાર પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. એ ઉપરાંત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 45 થી 50 કિલોની ક્ષમતાવાળી 50 ઓક્સિજન ટેન્ક સંસ્થાને તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવી છે, જેનાથી જસદણ તાલુકાના ગામોના કોરોના દર્દીઓને સ્થાનિક સ્તરે જ કોરોનાની ઉત્તમ કક્ષાની સારવાર વિના-મૂલ્યે મળી શકશે.