મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સોમવારે રાજકોટ દર્શન બસનું ઉદ્ઘાટન કરાવાની મેયર ડો.પ્રદિપ ડવની તૈયારી
સતત વિકસી રહેલા રાજકોટ શહેરની મુલાકાતે આવતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના સહેલાણીઓની સુવિધા માટે કોર્પોરેશન દ્વારા રાજકોટ દર્શન સિટી બસ સેવા શરૂ કરવામાં આવશે. આગામી સોમવારે રાજકોટની મુલાકાતે આવી રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે આ સુવિધાનું ઉદ્ઘાટન કરવાની તૈયારી મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરમાં ફરવા લાયક સ્થળો સતત વધી રહ્યા છે. ગત વર્ષે રામવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગામી દિવાળી તહેવાર પૂર્વે ન્યૂ રાજકોટમાં અટલ સરોવર અને સ્માર્ટ સિટીનું પણ લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આજીડેમ, ન્યારી ડેમ, રેસકોર્ષ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, ઇશ્ર્વરિયા પાર્ક અને પ્રદ્યુમન પાર્ક સહિતના ફરવા લાયક સ્થળોએ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરના સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. તેઓની સુવિધા માટે રાજકોટ દર્શન બસ શરૂ કરવામાં આવશે. જેનો પિકઅપ અને ડ્રોપ પોઇન્ટ ત્રિકોણબાગ ખાતે રાખવામાં આવશે. આ બસનો સમય, ભાડું સહિતની વિગતો ટૂંક સમયમાં કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ દર્શન બસ સેવામાં કેટલા સ્થળોને આવરી લેવામાં આવશે તેનું પણ લીસ્ટ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બજેટમાં રાજકોટ દર્શન બસ સેવા શરૂ કરવા અંગે પણ ઘોષણા કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી આ પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી છે પરંતુ કોઇ કારણોસર શરૂ થઇ શકતો ન હતો. હવે જ્યારે મેયર ડો.પ્રદિપ ડવની મુદ્ત પૂરી થવાના આડે માત્ર 12 દિવસનો જ સમય બાકી રહ્યો છે ત્યારે તેઓ જતા-જતા રાજકોટવાસીઓને એક યાદગાર ભેટ આપવા જઇ રહ્યા છે.
આગામી સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓના હસ્તે આ રાજકોટ દર્શન સિટી બસ સેવા શરૂ કરાવી દેવાની ગણતરી ચાલી રહી છે.
આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર ઘોષણા પણ કરી દેવામાં આવશે. સીએમના હસ્તે કોર્પોરેશનના અનેકવિધ પ્રોજેક્ટનું સોમવારે લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરવામાં આવશે.