રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી મામલતદાર કચેરીઓ બહાર બોગસ પિટિશન રાઈટરોના રાફડા ફાટયા છે. પણ દક્ષિણ મામલતદાર કચેરી દ્વારા આજે આવા બોગસ પિટિશન રાઈટરો સામે કડક નિયમોનુસાર કાર્યવાહી કરીને નવી પહેલ શરૂ કરી છે. હવે બીજા મામલતદારો પણ આ પ્રકારે કાર્યવાહી કરે તો અરજદારો લૂંટાતા બચે.

કચેરી બહાર બેસીને અરજદારો પાસેથી ફોર્મ ભરવાના રૂ.200થી લઈ રૂ.1000 સુધીના ઉઘરાણા કરતા બોગસ પિટિશન રાઈટરો સામે કડક કાર્યવાહી

ગોંડલ રોડ ઉપર આવેલ દક્ષિણ મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી બોગસ પિટિશન રાઈટરોનો ત્રાસ હતો. જેઓ કોઈ પણ પ્રકારના લાઇસન્સ વગર ગેરકાયદે રીતે કચેરીની સામે રોડ ઉપર ટેબલ તેમજ વાહન રાખીને બેસતા હતા. રેશનકાર્ડ, આવકના દાખલા સહિતના વિવિધ સર્ટિફિકેટ મેળવવા માટે આ બોગસ પિટિશન રાઈટરો અરજદારો પાસેથી રૂ.200થી લઈને રૂ.1000 સુધીના ઉઘરાણા કરતા હતા.

દક્ષિણ મામલતદાર જે.વી. કાકડીયા દ્વારા આ બોગસ પિટિશન રાઇટરને હટાવવા માટે માલવીયા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે આજે માલવીયા પોલીસે મામલતદાર તંત્ર સાથે મળીને આ બોગસ પિટિશન રાઈટરો સામે કડક કાર્યવાહી કરી છે. તેઓ દ્વારા 4 જેટલા બોગસ પિટિશન રાઈટરો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શહેરની તમામ મામલતદાર કચેરીઓમાં બોગસ પિટિશન રાઈટરોનો ત્રાસ છે. દક્ષિણ મામલતદાર દ્વારા અરજદારોના લાભાર્થે આ કાર્યવાહીની પહેલ કરાઈ છે. ત્યારે અન્ય મામલતદારો પણ આ પહેલને અનુસરીને કાર્યવાહી કરશે કે કેમ તે જોવુ રહ્યું.

અરજદારોને કોઈ પણ માર્ગદર્શન જોઈએ તો હેલ્પ ડેસ્કની મુલાકાત લેવા અપીલ

દક્ષિણ મામલતદાર તંત્ર દ્વારા જણાવાયુ છે કે અરજદારોને મદદ મળી રહે તે માટે કચેરીમાં હેલ્પ ડેસ્ક કાર્યરત છે. અરજદારોએ કચેરી બહાર બેઠેલા કોઈ વ્યક્તિને પૈસા આપીને તેની પાસેથી મદદ લેવાની જરૂર નથી. અરજદારો સીધા હેલ્પ ડેસ્ક ખાતે જ આવે. જ્યાં જરૂરી તમામ મદદ મળી રહેશે.

જૂની કલેકટર કચેરીમાં બોગસ પિટિશનનો રાફડો : દરરોજ અરજદારો લૂંટાઈ છે

જૂની કલેકટર ઓફીસમાં તાલુકા અને પૂર્વ મામલતદાર કચેરી બેસે છે. આ ઉપરાંત સિટી 1, સિટી 2 અને ગ્રામ્ય એમ ત્રણ પ્રાંત કચેરી પણ બેસે છે. અહીંના કેમ્પસમાં મોટા પ્રમાણમાં બોગસ પિટિશન રાઈટરો આવેલા છે. જેની સામે છેલ્લે તત્કાલીન પ્રાંત ગઢવીએ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ વર્ષો સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. માટે હવે કલેકટર તંત્રે સંયુક્ત રીતે અહીં ઓપરેશન કરીને કચેરીને બોગસ પિટિશન રાઈટરથી મુક્ત બનાવવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.