શનિવારથી દુધ મંડળીઓને પ્રતિ કિલો ફેટના રૂ. 740 ચૂકવાશે
પશુપાલકો દ્વારા આનંદના સમાચાર મળી રહ્યા છે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્5ાદક સંઘ લીમીટેડ દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં બે માસમાં ટુંકા ગાળામાં દુધની ખરીદ કિંમતમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. આગામી 11મી જુનથી દુધ મંડળીઓને પ્રતિ કિલો ફેટના રૂ. 740 ચૂકવવામાં આવશે તેવી જાહેરાત રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા દ્વારા કરવામાં આવી છે.
રાજકોટ દુધ સંઘ દ્વારા હંમેશા દૂધ સંઘના સંચાલનમાં તેની સાથે જોડાયેલા હજારો દુધ ઉત્પાદકોના આર્થિક અને સામાજીક હિતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હાલ કપાસીયા ખોળ તથા ખાણદાણના ઉંચા ભાવો અને ઉનાળાની અસહય ગરમીને કારણે પશુઓમાં દુધ ઉત્પાદન ઘટતું હોય છે જેના કારણે દુધ ઉત્પાદકોને દૂધ ઉત્પાદન ખર્ચ વધુ આવે છે. દુધ ઉત્પાદકોને દુધ ઉત્પાદન ખર્ચમાં આર્થિક રાહત મળે માટે દુધ સંઘના ચેરમેન અને નિયામક મંડળે નવા નાણાંકીય વર્ષમાં દુધનાં ખરીદ ભાવમાં ચોથો પ્રતિ કિલો ફેટે રૂ. 10 નો વધારો જાહેર કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 740 કરવા નિર્ણય નકકી કરેલ છે.
જે રાજકોટ ડેરીએ જાહેર કરેલ કિલો ફેટના અત્યાર સુધીના સૌથી ઉંચો ભાવ છે.અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 730 ચુકવવામાં આવી રહ્યો છે ગયા વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 660 હતો જેની સરખામણીએ આ જાહેરાતથી મંડળીઓને રૂ. 80 વધુ મળશે. દુધ સંઘ દ્વારા તા. 11-6-22 થી દુધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂ. 740 ચુકવવામાં આવશે અને દુધ મંડળીઓ તેના દુધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 735 ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલા પ0 હજારથી વધારે દુધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. આ જાહેરાત દૂધ સંઘના અઘ્યક્ષ ગોરધનભાઇ ધામેલીયા તરફથી કરવામાં આવેલ છે.