પશુ આહારના ભાવોમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે
દૂધ મંડળીઓને 11મીથી પ્રતિકિલો ફેટના રૂ.660ના બદલે રૂ.670 ચૂકવાશે
પશુ આહારના ભાવમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે દુધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદરૂપ થવાના આશ્રય સાથે રાજકોટ ડેરી દ્વારા દુધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.10નો વધારો કર્યો છે. આગામી 11મી જૂલાઈથી દુધ ઉત્પાદકોને એક કિલો ફેટના રૂ.660ના બદલે રૂ. 670 ચૂકવવામાં આવશે. બીજી તરફ ડેરી દ્વારા ગોપાલ બ્રાન્ડ ઘીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
રાજકોટ દૂધ સંઘ હંમેશા દુધ સંઘના વહીવટમાં તેની સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજીક હિતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હાલ કપાસીયા ખોળના ઉંચા ભાવો, વરસાદની અનિયમિતતા વગેરેને ધ્યાનમાં રાખીને તેમજ અમુલ પાઉચ દૂધમાં થયેલ ભાવ વધારાનો લાભ દૂધ ઉત્પાદકોને મળી રહે તે માટે દૂધ સંઘે દૂધનાં ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.10નો વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 670 કરવા નિર્ણય નકકી કર્યો છે. અત્યારે દુધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.660 ચૂકવવામા આવી રહ્યો .દૂધ સંઘ દ્વારા તા. 11 જૂલાઈથીદૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂ.670 ચૂકવવામાંઆવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 665 ચૂકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ 50 હજાર દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે.
રાજકોટ દૂધ સંઘે દૂધના ભાવમાં વધારો થવા છતાં સરકારની કોવિડ 19ની ગાઈડલાઈનના પાલનમાં મળેલ થોડી છૂટછાટનાં આગામી સમયમાં યોજાનાર પ્રસંગોને ધ્યાનમાં રાખીને ગોપાલ બ્રાન્ડ ઘી 15 કિલો ટીન પેકીંગમાં રૂ.150નો ઘટાડો કર્યો છે. જેનો લાભ વપરાશ કરનાર ગ્રાહક વર્ગને મળશે તેવી જાહેરાત દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા તરફથી કરવામા આવી છે.