સત્તાધાુરી જુથે સરકાર પર દબાણ લાવી રાજકોટ જીલ્લા દૂધ સંઘના ચેરમેનની ચૂંટણી મોકુફ કરાવી હોવાની વહેતી થયેલી વાતોનું ખંડન કરતા ચેરમેન
રાજકોટ જીલ્લા દૂધ સંઘના ચેરમેનની ગોવિંદભાઇ રાણપરીયાની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આજરોજ બપોરે ચુંટણી યોજાનાર હતી ચેરમેન નિયુકિત માટેની આ ચુંટણી અસંતુષ્ટોના જુથ સામે સાવચેતી ખાતર સરકાર ઉપર દબાણ લાવી મોકુફ રખાવી દીધી હોવાની વાતો ફેલાઇ હતી આ વાતને રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ નકારી હતી.
રાજકોટ જીલ્લા દૂધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ આ અંગે અબતક સાથે કરેલી વાતચીતમાં જણાવ્યુઁ હતું કે રાજકોટ ડેરીની ચુંટણી જીલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી દ્વારા યોજાઇ છે તેઓને ઉપરી અધિકારીઓ દ્વારા લેખીત જાણ કરાઇ હોવાથી અનિવાર્ય કારણોસર ચુંટણી મોકુફ રાખવામાં આવી છે.
વધુમાં તેઓએ અફવાઓનું ખંડન કરતા કહ્યું કે ચુંટણી તંત્ર દ્વારા મોકુફ રાખવાની આવી છે. તંત્ર દ્વારા અમોને ચુંટણી મોકુફ રાખવાનું કારણ જણાવવામાં આવ્યું નથી અમે માત્ર તેઓના સુચનનું પાલન કર્યુ છે. તેઓ દ્વારા અમને ગઇકાલે અનિવાર્ય કારણોસર ચુંટણી મોકુફ રાખવામાં આવી હોવાનો પત્ર મળ્યો હતો.
ગોવિંદભાઇ રાણપરીયાએ વધુમાં કહ્યું કે રાજકોટ ડેરીમાં હજુ અમારી બહુમતિ યથાવત જ છે જે આગામી સમયમાં પણ પુરવાર થઇ જશે. કુલ ર૦ સભ્યોમાંથી ૧ર સભ્યો અમારી તરફેણમાં છે જેથી અમારા માટે કોઇ ચિંતા જેવી બાબત નથી.
વર્ષોથી રાજકોટ ડેરીની ચુંટણી બીનહરીફ થાય છે. છેલ્લા ૧પ વર્ષથી રાજકોટ જીલ્લા દૂધ સંઘના ચેરમેનનો કારભાર સંભાળી રહ્યો છે. વીઠ્ઠલભાઇ રાદડીયા અને જયેશભાઇ રાદડીયાના નેતૃત્વ હેઠળ સહકારી સંસ્થાઓ કાર્યરત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અસંતુષ્ટોના એક જુથ સામે સાવચેતીનાં ભાગ રુપે સત્તાધારી જુથે સરકાર ઉપર રાજકીય દબાણ લાવીને ચુંટણી મોકુફ રાખી હોવાની વાતો વહેતી થઇ હતી. અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ જીલ્લા દૂધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ આ અફવાઓનું ખંડન કર્યુ હતું.