સફેદ દુધનો કાળો કારોબાર: સાતડા દુધ મંડળીનું દુધ ફરી ચાલુ કરવાના બદલામાં અડધા લાખની લાંચ લીધી
રાજકોટ સહકારી દુધ ઉત્પાદક મંડળીના કેમિસ્ટે સાતડાની દુધ મંડળીનું દુધ રિઝેકટ ન કરવું અને ફરી ચાલુ કરાવવા ભલામણ કરવાના બદલામાં રૂ.૫૦ હજારની લાંચ લેતા કુવાડવા ચોકડી પાસેથી એસીબી સ્ટાફે રંગે હાથ ઝડપી લીધો છે.
આ અંગેની એસીબી સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સાતડા દુધ મંડળીનું દુધ ભેળસેળ યુક્ત હોવાથી રાજકોટ દુધની ડેરીના કેમિસ્ટ સાજન મનસુખ પટેલે રિઝેક્ટ કર્યુ હોવાથી સાતડા દુધ મંડળીનું દુધ બંધ કરવામાં આવ્યું હતું.સાતડા દુધ મંડળીના હોદેદારે રાજકોટ દુધની ડેરીના કેમિસ્ટ સાજન પટેલને મળી દુધ રિઝેકટ ન કરવા અને ફરી ચાલુ કરવાનું જણાવતા રૂ.૫૦ હજારની લાંચની માગણી કરી હતી. આથી સાતડા દુધ મંડળીના હોદેદારે અમદાવાદ એસીબી ટોલ ફ્રી પર ફરિયાદ કરતા રાજકોટ એસીબી પી.આઇ. જાની સહિતના સ્ટાફે કુવાડવા ચોકડી પાસે લાંચનું છટકું ગોઠવી રાજકોટ દુધ મંડળીના કેમિસ્ટ સાજન પટેલને રૂ.૫૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.સાજન પટેલ છેલ્લા એક સપ્તાહથી સાતડા દુધ મંડળીના હોદેદાર પાસે લાંચની માગણી કરતો હતો અને મંગળવારે તેને રજા હોવા છતાં લાંચ લેવા માટે કુવાડવા ચોકડી પાસે આવતા ઝડપી લીધો હતો. સાજન પટેલ સાથે દુધની ડેરીના અન્ય કોઇ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગે રાજકોટ એસીબીના મદદનીશ નિયાકમ એ.પી.જાડેજાએ પૂછપરછ હાથધરવામાં આવી છે.