એક જ દિવસે બે મોટી સહકારી સહકારી સંસ્થાની ચૂંટણી જાહેર કરતું કલેકટર તંત્ર : બન્ને સંસ્થાઓના હોદેદારોની મુદત પૂર્ણ થયા પૂર્વે ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર રૂપરેખા આપી દેવાય

કલેકટર તંત્ર દ્વારા એક જ દિવસે બે મોટી સહકારી સહકારી સંસ્થાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ ડેરીની 12મીએ અને રા.લો. સંઘની 17મીએ ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના હોદ્દેદારોની મુદત પૂર્ણ થઈ રહી હોય નવા સુકાનીઓને ચૂંટવા માટે આજે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી 12મીએ યોજાનાર છે. રાજકોટ ડેરીમાં હાલ ગોરધનભાઇ ધામેલિયા ચેરમેન છે. ડેરીના વર્તમાન ચેરમેન ધામેલિયા અને પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયા વચ્ચે સ્પર્ધા થઇ શકે છે. જો કે હાલ ડેરીનું સુકાન હાંસલ કરવા ખાનગી રાહે બેઠકોના ધમધમાટ શરૂ થઈ ગયા છે. હાલ સહકારી ક્ષેત્રમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે રાજકોટ ડેરીમાં યથાવત સ્થિતિ જાળવી રખાશે કે પછી પરિવર્તન કરાશે ?

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જેમાં 17મીએ પ્રમુખ- ઉપપ્રમુખની વરણી કરવામાં આવનાર છે. આ માટે ગોંડલ રોડ ઉપર આવેલ સંઘની ઓફિસ ખાતે સિટી- 2 પ્રાંતના અધ્યક્ષ સ્થાને વ્યવસ્થાપક સમિતિની બેઠક યોજાનાર છે.

રાજકોટ જિલ્લાની સહકારી ક્ષેત્રની સંસ્થા રાજકોટ લોધિકા સહકારી સંઘની અઢી વર્ષથી મુદત પૂરી થઇ રહી હોવાથી ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. કલેકટરના પ્રતિનિધિ તરીકે સિટી- 2 પ્રાંત અધિકારી સંદીપકુમાર. વર્મા આ ચૂંટણી કરાવશે. હાલ આ ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જેની તારીખ 17 એપ્રિલ છે.

રાજકોટ લોધિકા સંઘમાં છેલ્લા અઢી વર્ષથી નરેન્દ્રસિંહ જાડેજા ચેરમેન અને સંજય અમરોલિયા વાઇસ ચેરમેન છે. ભાજપની સંપૂર્ણ બહુમતી છે અઢી વર્ષ પહેલાના અને અત્યારના આંતરિક રાજકીય સમીકરણોમાં ધરખમ ફેરફાર હોવાનું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. ગત વખતના ચેરમેનની રેસમાં રહેલા નીતિન ઢાંકેચા પણ જોરમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ સંઘની વ્યવસ્થાપક સમિતિના હોદેદારોની પ્રથમ ટર્મ તા.12 એપ્રિલ 2023ના પુરી થઇ રહી છે. બીજી ટર્મ માટે તા.13 એપ્રિલ 2023 થી 12 ઓક્ટોબર 2025 સુધી અઢી વર્ષ માટે સંઘના હોદેદારોની ચૂંટણી કરવા માટે ચૂંટણી સત્તાધિકારી રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અને પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-2,ના અધ્યક્ષ સ્થાને સંઘની વ્યવસ્થાપક સમિતિની બેઠક તા.17ને સોમવારે સવારે 11 કલાકે રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની રજી. ઓફિસ ’સહકાર’ બોમ્બે ગેરેજ પેટ્રોલ પમ્પ પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અઢી વર્ષમાં સંઘની તમામ કામગીરી પ્રામાણિકતાથી થઈ તેનો સંતોષ : નરેન્દ્રસિંહ જાડેજા

રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે અઢી વર્ષમાં ભાજપને યશ મળે તેવી કામગીરી કરી છે. તમામ સભ્યોને સાથે રાખીને ચાલ્યો છુ. સંસ્થા મજબૂત બને તેવા તમામ પ્રયાસો કર્યા છે. સંઘની તમામ કામગીરી પ્રામાણિકતાથી થઈ તેનો સંતોષ છે. તમામ ઠરાવો સર્વાનુમતે પસાર થયા છે.  ઉલ્લેખનીય છે કે નરેન્દ્રસિંહ જાડેજાએ ચેરમેન તરીકે સંસ્થાની કાર અને મોબાઈલ સહિતમાં લાભો ન લઈને સંસ્થાના દર મહિને દોઢથી બે લાખ રૂપિયા બચાવીને અલગ ચીલો ચાતરી ભારે લોકચાહના મેળવી હતી.

પશુપાલકોને ફાયદા કરાવ્યા, અનેક ગેરરીતિઓ અટકાવી : ગોરધનભાઈ ધામેલીયા

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું કે તેઓએ અઢી વર્ષ દરમીયાન પશુપાલકોને અનેક ફાયદાઓ કરાવ્યા છે. અનેક ગેરરીતિ સામે પણ કડક હાથે કામ લીધું છે. તેઓએ ઉમેર્યું કે હજુ ગઈકાલે જ તેઓએ ભેળસેળયુક્ત દૂધના ટેન્કરોનો નાશ કરાવ્યો હતો. તેઓએ પશુપાલકોને વધુ પૈસા મળે અને ગ્રાહકોને ચોખ્ખું દૂધ મળે તે માટે સતત કમર કસી હતી. અંતમાં તેઓએ કહ્યું કે અઢી વર્ષ જે સેવા કરવાનો મોકો ભાજપે આપ્યો તેમાં સેવાની કોઈ કસર છોડવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.