નામચીન શકિત ઉર્ફે પેંડો અને પ્રકાશ લુણાગરીયાને પોલીસે ઢોર મારમારતા મરણ થતા બનાવ ડબલ મર્ડર પલટાયો ‘તો: થોરાળા પોલીસ મથકના પી.આઈ, પી.એસ.આઈ સહિત પાંચ સામે ગુનો નોંધાયો ‘તો
રાજકોટ પોલીસ અને શહેરીજનો માટે માથાનો દુ:ખાવો બની ગયેલ નામચીન શકિતસિંહ ઉર્ફે પેંડો ઝાલા અને પ્રકાશ લુણાગરીયાની પોલીસ કસ્ટડીમાં હત્યાના આરોપસર પકડાયેલા પોલીસ ઈન્સ્પેકટર સુખવિંદરસિંઘ નિર્ભયસિંઘ ગડુની જામીન અરજી હાઈકોર્ટના જસ્ટીશ એ.વાય.કોગજેએ શરતોને આધીન ગ્રાહય રાખી મંજુર કરતો હુકમ કર્યો છે.
ચકચારી કસ્ટોડીયલ ડબલ મર્ડર કેસની ટુંક હકિકત એવી છે કે, શહેરના ગોંડલ રોડ, પુનિતનગર, પાણીના ટાંકા પાસે વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતા નામચીન ગુનેગાર શકિતસિંહ ઉર્ફે પેંડો ઝાલા તથા તેની સાથે રહી લુખ્ખાગીરી કરતા અને મુળ સરપદડ ગામના અને ત્યારબાદ છેલ્લે ધ્રાંગધ્રા મુકામે નરસિંહપરા કુંભારીયાની ખાણ પાસે રહેતો પ્રકાશ લુણાગરીયાના પોલીસ મારથી મૃત્યુ પામેલા હોવાનો આક્ષેપ કરી તા.૪/૧/૨૦૧૭ના રોજ દેવરાજભાઈ જેરામભાઈ લુણાગરીયાએ રાજકોટ પોલીસ અધિકારી તથા કર્મચારી વિરુઘ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ આપી. જયાં સુધી એફ.આઈ.આર નોંધવામાં નહીં આવે ત્યાં સુધી ગુજરનાર પ્રકાશ લુણાગરીયાની લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. સદરહું એફ.આઈ.આર.ને આનુસાંગીક થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ એસ.એન.ગડુ, પી.એસ.આઈ એસ.બી.સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ, ચેતનસિંહ રઘુવીરસિંહ ગોહીલ, પોલીસ કોન્સ્ટેબલ હિતેષભાઈ રતાભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલસિંહ હરદેવસિંહ ગોહિલ વિરુઘ્ધ તપાસનીશ અમલદાર નાયબ પોલીસ કમિશનર ડો.કરનરાજ વાઘેલાએ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી તે ચાર્જશીટમાં પોલીસ તરફે કુલ ૧૫૭ સાહેદોના નિવેદનો અને લગતા દસ્તાવેજો કોર્ટમાં રજુ કરેલા છે. ચાર્જશીટ કોર્ટમાં રજુ થયા બાદ પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ગોહિલે જામીન અરજી કરતા તેઓને હાઈકોર્ટના જસ્ટીશ બી.એન.કારીયાએ શરતોને આધિન જામીન મુકત કરેલા. ત્યારબાદ પી.એસ.આઈ એસ.બી.સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ હિતેષભાઈ પરમાર અને અનિલસિંહ ગોહિલે અલગ-અલગ જામીન અરજીઓ એડવોકેટ અનિલ આર.દેસાઈ તથા કમલેશ એન.શાહ મારફતે સેશન્સ કોર્ટમાં કરતા તેઓને રાજકોટના બીજા એડીશ્નલ સેશન્સ જજ એચ.આર.રાવલે શરતોને આધિન જામીન મુકત કરેલા. ત્યારબાદ પી.આઈ. એસ.એન.ગડુએ જામીન મુકત થવા માટે હાઈકોર્ટમાં જામીન અરજી કરી એવી રજુઆત કરેલ કે તેઓ તદન નિર્દોષ છે, તેઓને ખોટી રીતે ગુન્હા સબબ સંડોવી દીધેલો છે. કુટુંબવાળા વ્યકિત છે, કયાંય નાશી ભાગી જાય તેમ નથી, ફરિયાદ જોવામાં આવે તો ખોટી ઉભી કરવામાં આવી છે. સમગ્ર ચાર્જશીટના પેપર્સ જોતા પણ પી.આઈ. ગડુને ગુન્હામાં સાંકળી શકાય તેવો લેશમાત્ર પુરાવો રેકર્ડ ઉપર નથી, મરણજનાર શકિતસિંહ ઉર્ફે પેંડો ઝાલા તથા પ્રકાશ લુણાગરીયા લાંબા ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા હતા, કહેવાતી ઓળખ પરેડ શંકાસ્પદ અને ગેરકાયદેસર છે, અને આરોપી પોલીસ અધિકારી હોય તેઓની સામે ચાર્જશીટ કરતા પહેલા સી.આર.પી.સી.ની કલમ-૧૯૭ મુજબ સક્ષમ ઓથોરીટી પાસેથી કોઈ મંજુરી લીધેલ નથી, ફરિયાદ દબાણવશ થઈ કરવામાં આવેલ છે, આરોપી પી.આઈ. ગડુ સામે ગુન્હા સબબની સંડોવણી પ્રસ્થાપિત થતી નથી. આરોપી પોલીસ અધિકારી છે, કયાંય નાસી ભાગી જાય તેમ નથી. નામ કોર્ટ જે જે શરતો ફરમાવેલ તેનું ચુસ્તપણે પાલન કરશે સહિતની રજુઆતો કરેલ. સાથો સાથ નામ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરેલા. હાઈકોર્ટના જસ્ટીશ એ.વાય.કોગજેએ બન્ને પક્ષોએ થયેલ વિસ્તૃત દલીલો, પોલીસ પેપર્સ, રજુઆતોને તેમજ કાનુની આધારોને ધ્યાને લઈ પી.આઈ એસ.એન.ગડુની જામીન અરજી ગ્રાહ્ય રાખતો ચુકાદો ફરમાવેલો છે. ચુકાદામાં એવી શરતો લાદેલી છે કે ‚ા.૧૦ હજારના જામીન ઉપર મુકત કરવા, તેઓએ ફરિયાદપક્ષના કેસને નુકસાન થાય તે રીતે કોઈ કૃત્ય આચરવું નહીં, સ્વતંત્રતાનો દૂરઉપયોગ ન કરવો કે ગેરલાભ ન લેવો, સેશન્સ અદાલતની પરવાનગી વગર રાજયની હદ છોડવી નહીં, પાસપોર્ટ ધરાવતા હોય તો તે કોર્ટમાં જમા કરાવવો, છ માસ સુધી સંબંધિત પોલીસ સ્ટેશનમાં ઓલ્ટરનેટ સોમવારે સવારે ૧૧ થી ૨ વાગ્યા વચ્ચે હાજરી પુરાવવી વિગેરે મતલબની શરતો પી.આઈ ગડુ ઉપર લાદવામાં આવેલ છે.
આ ચકચારી કસ્ટોડીયલ ડબલ મર્ડર કેસમાં તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ વતી હાઈકોર્ટમાં સીનીયર એડવોકેટ નિ‚પમભાઈ નાણાવટી, આશિષભાઇ ડગલી તથા સૌરાષ્ટ્રના જાણીતા સીનીયર એડવોકેટ અનિલ આર.દેસાઈ તથા કમલેશ એન.શાહ રોકાયેલા છે.