પોલીસના ઉચ્ચ અધિકારીઓને ગાળો ભાંડી ધાક જમવતા લુખ્ખાની શોધખોળ
તારે મારા વિસ્તારમાં દુકાન ચલાવવી હોય તો પૈસા આપવા પડે તેવી ધમકી
ખોડીયાપરા વિસ્તારમાં લુખ્ખાગીરી કરતા શખ્સે વેપારીને ધાક ધમકી દઇ વેપારી પાસેથી રૂા.20 હજારની ખંડણી પડાવી રૂા.2.50 લાખની માગણી કરવા અંગેનો ગુનો નોંધાયો છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓને ગાળો ભાંડી ધાક જમાવવાનો પ્રયાસ કરતા લુખ્ખા શખ્સની માલવીયાનગર પોલીસે શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના 150 ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોકમાં રહેતા અને ખોડીયાનગર મેઇન રોડ પર સાલુની કોમ્પ્લેક્ષમાં એસ સિલેકશન નામની રેડીમેઇટ કપડાની દુકાન ધરાવતા દર્શન હસમુખભાઇ સાપાવાડીયા નામના પટેલ યુવાને ખોડીયારનગરના કિશન દિલુભા બાવડા નામના ગઢવી શખ્સ સામે ધાક ધમકી દઇ રૂા.20 હજાર બળજબરીથી પડાવ્યા અને રૂાત.2.50 લાખની ખંડણી પડાવ્યા બાદ વધુ ખંડણી માગ્યાની માલવીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
દર્શન પટેલની દુકાને જઇ પોતે કોઇથી ડરતો ન હોવાનું કહી ડીસીપી મનોહરસિંહ જાડેજા, માલવીયાનગર પીઆઇ ભૂકણ અને તમામ પોલીસ સ્ટાફને બેફામ ગાળો ભાંડી પોતે ખોડીયારનગર વિસ્તારનો ડોન હોવાનું અને દુકાન ચલાવવી હોય તો ખંડણી આપવી પડે તેવી ધમકી દીધી હતી. આ અંગે દર્શન પટેલ દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવતા કિશન બાવડા વધુ ઉશ્કેરાયો હતો અને પૈસા પડાવવા દર્શન અને તેના નાના ભાઇ પ્રતિકની ખૂન કરવાની ધમકી દીધી હતી તેમજ અવાર નવાર જુદા જુદા નંબરના મોબાઇલ પરથી વાત કરી ધમકાવતો હોવાનો ફરિયાદમાં જણાવ્યું છે.
કિશન બાવડા પાસેથી ખંડણી પડાવ્યા અંગેની ગત તા.8 જાન્યુઆરીએ વિસ્તૃત અહેવાલ સૌ પ્રથમ ‘અબતક’ સાંધ્ય દૈનિકમાં પ્રસિધ્ધ કરાયો હતો. ત્યારથી જ કિશન બાવડાની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેની ભાળ મળી ન હતી. પરંતુ દર્શન અને તેના નાના ભાઇ પ્રતિકનું ખૂન કરવાની દેવાનું ચાલુ રાખ્યું હોવાથી માલવીયાનગર પોલીસે કિશન બાવડા સામે બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધી માલવીયાનગરના હેડ કોન્સ્ટેબલ ડી.એચ.જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.