જામનગરમાં વ્યાજખોરોએ વધુ એકનો ભોગ લીધો: ડીવાયએસપી એ.પી. જાડેજાની ખાત્રી બાદ પરિવારજનોએ લાશ સ્વીકારી અંતિમવિધી કરી
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા નાસ્તાની રેંકડી ચલાવતા એક યુવાને વ્યાજખોરોના ત્રાસના કારણે ગળાફાંસો દ્વારા આત્માહત્યા કરી લઇ પોતાની જીંદગીનો અંત લાવી દીધો છે. મૃતકે લખેલી સ્યુસાઇડ નોટમાં ત્રણ શખ્સોના નામ અને મોબાઇલ નંબરો આપ્યા છે આ બનાવના પગલે પરિવારજનો તથા જ્ઞાતિજનોએ પોલીસ મથકે ધસી જઇ જયાં સુધી વ્યાજખોરો સામે કડક પગલા નહીં લેવાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધો હતો.
આ અંગેની વિગત એવી છે કે જામનગરના કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે નાસ્તાની રેંકડી ચલાવતા અને મહાપ્રભુજીની બેઠક નજીક ગાયત્રી નગર શેરી નં.૧ માં રહેતા દિપેશ વાલજીભાઇ નકુમ નામના ૩પ વર્ષના યુવાને ગઇકાલે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની ગીતાબેન નકુમે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવ્યું હતું.
મૃતકના પરિવારજનોએ ઘરમાંથી મૃતકના હાથે લખેલી બે પાનાની ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં ત્રણ વ્યાજખોરોના નામ અને નંબરો લખ્યા હતા. તેઓ પૈસા માટે દબાણ અને મારકુટ કરતા હતા. તેઓના ત્રાસના કારણે પોતે જીંદગીનો અંત લાવી રહ્યો છે તેવો ઉલ્લેખ કર્યો હતો. ચીઠ્ઠીમાં નામો દર્શાવ્યા મુજબ જુનેદ પટણી અને રેહાન પટણી, ઇસ્પાક પટણી પૈસા માટે દબાણ કરી ધાકધમકી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ત્રણેયના ત્રાસના કારણે જ અંતિમ પગલુ ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ બનાવ પછી મૃતકના પરિવાર જનોએ તેમજ સમાજના અન્ય આગેવાનો વગેરે મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. ચીઠ્ઠી લઇને પોલીસ મથકે પહોંચી જઇ વ્યાજખોરો સામે પગલા ભરવાની અને તેઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી ભારે દેકારો બોલી ગયો હતો.
પરિવારોજનો દ્વારા એવો પણ આક્ષેપ કરાયો કે શનિવારે સાંજે મૃતક યુવાન દિપેશને ઉઠાવી જવાયો હતો. ત્રણેય વ્યાજખોરોએ કયાંક ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. ત્યાર પછી મોડીરાત્રે અઢી વાગ્યે તેને ઘરે મુકી ગયા હતા. પૈસા આપવા માટે દબાણ કર્યુ હતું. પરંતુ તેઓનો ત્રાસ સહન નહી થવાની ત્રણેય વ્યાજખોરોના નામની ચીઠ્ઠી લખી આ ચીઠ્ઠી પોતાના જ પિતરાઇ ભાઇ મનીષભાઇ નકુમ કે જેઓ જામનગર સીઆઇડી ક્રાઇમમાં પીઆઇ તરીકે ફરજ બજાવે છે તેને આપવાનું લખ્યું હતું.
પરિવારજનોએ જામનગર શહેર વિભાગના ડીવાયએસપી એ.પી. જાડેજા સમક્ષ ઉગ્ર રજુઆત કરતા વ્યાજખોરો સામે ગુન્હો દાખલ કરવાની ખાત્રી અપાયા પછી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો અને અંતિમવિધીની કાર્યવાહી હાથ ધરાઇ હતી. મૃતક યુવાને થોડા સમય પહેલા આરોપીઓ પાસે ા ૩૫ હજાર વ્યાજે લીધા હતા જેનું રાક્ષસી વ્યાજ અને મુળ રકમ ચુકવી દીધી હોવા છતાં પણ ત્રણેય શખ્સો મારકુટ કરી વધુ પૈસા કઢાવવા દબાણ કરતા હોવાથી આખરે જીવ ગુમાવ્યો હોવાનું જાહેર થયું છે પોલીસ આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ કરી હતી.