અમીન માર્ગ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરના પાર્કીંગ અને સીડીની 500 ફુટ જગ્યામાં બે દુકાન અને એક ઓફિસ ખડી દીધા
રાજકોટમાં રામકૃષ્ણનગરમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કિ3કેટ સટ્ટા અંગે પાડેલા દરોડામાં મુખ્ય સુત્રધાર તરીકે સંડોવણી બહાર આવી હતી તે અલાદીન નુરા કારીયાણીએ અમીન માર્ગ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં પાર્કીંગની જગ્યા અને સીડીની જગ્યામાં બે દુકાન અને એક ઓફિસ બનાવી ભાડે આપી દીધા અંગેની લેન્ડ ગ્રેબીંગ હેઠળ થયેલી અરજીના સંદર્ભે જિલ્લા કલેકટરના વડપણ હેઠળ મળેલી બેઠકમાં લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધવા થયેલા આદેશના પગલે માલવીયાનગર પોલીસે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમીન માર્ગ પર આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા તરલીકાબેન રુપેન્દ્રભાઇ દુદકીયા નામના 68 વર્ષના દરજી વૃધ્ધાએ જિલ્લા કલેકટરને અલાઉદીન કારીયાણી સામે ઓન લાઇન લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી કરી હતી. લેન્ડ ગ્રેબીગં હેઠળ થયેલી અરજીમાં અલાદીન કારીયાણીએ ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરના પાર્કીંગમાં અને સીડીની 500 ફુટ કોમન જગ્યા પર બે દુકાન અને એક ઓફિસનું બાંધકામ કરી ભાડે આપી દીધાનું જણાવ્યું છે.
આ અંગે તરલીકાબેન દુદકીયાએ કોર્પોરેશનમાં પણ અલાઉદીન સામે ગેર કાયદે બાંધકામ અંગે અરજી કરી હતી. કોર્પોરેશન દ્વારા અલાઉદીન કારીયાણીને નોટિસ ફટકારી હતી તેમ છતાં તેને ગેર કાયદે બાંધકામ દુર ન કરતા લેન્ડ ગ્રેબીંગ અંગે કલેકટરને ઓન લાઇન અરજી કરી હતી. જિલ્લા કલેકટરના આદેશના પગલે માલવીયાનગર પોલીસે અલાઉદીન કારીયાણી સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી એસીપી બી.જે.ચૌધરીએ ધરપકડ કરી છે.