પાઇપલાઇનમાં અનેક જગ્યાએ કાણાં પડ્યા હોવા છતાં પદાધિકારીઓ અને અધિકારીઓને દેખાતા નથી: કોંગ્રેસના કાર્યકરોએ પોલ છતી કરી
રાજકોટવાસીઓને નર્મદાના વેંચાતા પાણી લઇ પૂરા પાડતું તંત્ર મહામૂલા પાણીનો વેડફાટ અટકાવી શકતું નથી. આજીડેમ પાસે પાણીની સ્ટીલની મુખ્ય પાઇપલાઇનમાં છેલ્લાં બે મહિનાથી મસમોટા કાણાં પડી ગયા હોવા છતાં મહાપાલિકાના નિંભર તંત્રના પાપે પાણી વેડફાઇ રહ્યુ છે.
આજે સવારે કોંગ્રેસના કાર્યકર રણજીત મુંધવા અને ભાવેશ પટેલએ મહાપાલિકાની પોલ ખોલી હતી. આજીડેમ પાસે પાણી વિતરણ માટેની જે લાઇન વિછાવવામાં આવી છે, તેમાં મસમોટા કાણાં પડી ગયા છે. જેના કારણે છેલ્લાં બે મહિનાથી પાણી વેડફાઇ રહ્યુ છે. છતાં મહાપાલિકાના પદાધિકારીઓ કે અધિકારીઓને આ વાતની ખબર નથી જેથી પાણીનો વેડફાટ થઇ રહ્યું છે. જો મહામૂલુ પાણી બચાવવામાં આવે તો મહાપાલિકાની તીજોરી પર બોજ ઘટી શકે તેમ છે. આજે કોંગ્રેસના કાર્યકરોએ પાઇપલાઇન પરના કાણાં બૂરવાનો પ્રયાસ પણ કર્યો હતો.