અબતક, રાજકોટ
ગુજરાતમાં સત્તા પરિવર્તન બાદ રાજકોટ શહેર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. આમંત્રણ પત્રિકામાં નામ છાપવા, સ્નેહમિલનમાં સ્ટેજ પર આગેવાનોની ઉગ્ર ચર્ચાઓ, શહેર ભાજપ કાર્યાલય ખાતે ચેમ્બરની ફાળવણી અને નેઈમ પ્લેટ સહિતના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે 20મીએ રાજકોટની મુલાકાતે આવી રહેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જન સંઘથી ભાજપ સુધીના કાર્યકરોનું સન્માનનો કાર્યક્રમ રદ્દ કરી દીધાની ઘટનાએ રાજ્યભરમાં ભારે વિવાદ ઉભો ર્ક્યો હતો. દરમિયાન આગામી શનિવારે રાજકોટ આવી રહેલા પ્રદેશ પ્રમુખના ચાર કાર્યક્રમો ફાઈનલ થયા છે. જેમાં સી.આર.પાટીલ શહેર ભાજપના આગેવાનોનો ક્લાસ પણ લેવાના છે.
આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, આગામી 20 નવેમ્બરને શનિવારના રોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓના અલગ અલગ ચાર કાર્યક્રમો ફાઈનલ થયા છે. તેઓ સવારે 10 થી 11 કલાકે સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે સ્નેહ મિલન યોજશે.
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા દ્વારા યાજ્ઞીક રોડ સ્થિત ઈમ્પીરીયલ હોટલ ખાતે એનજીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ સી.આર.પાટીલ સામેલ થશે. ત્યારબાદ બપોરે 3 થી 4 કલાક ટાગોર રોડ સ્થિત હેમુગઢવી હોલ ખાતે મીની થીયેટરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો, શહેર ભાજપના હોદ્દેદારો, તમામ 18 વોર્ડના વોર્ડ પ્રમુખ, મહામંત્રી, પ્રભારી, ભાજપના નગરસેવકો, શિક્ષણ સમીતીના સભ્યો, પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને શહેર ભાજપના આગેવાનોને મળી તેઓની સાથે વિસ્તૃત ચર્ચા કરશે. ત્યારબાદ 4 થી 5 કલાક દરમિયાન તેઓ હેમુગઢવી હોલ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા યોજાનારા દિક્ષાંત સમારોહમાં હાજરી આપી ગાંધીનગર જવા માટે રવાના થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સી.આર.પાટીલની રાજકોટ શહેર ભાજપમાં ચાલી રહેલા વિવાદ મુદ્દે આગેવાનો અને કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા કરી વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કરે અને તેઓ તમામને જુથવાદ છોડી ચૂંટણીના કામે લાગી જવા માટેની તાકીદ કરવામાં આવે તેવી પણ શકયતા જણાય રહી છે.
અંબરિશ ડેરનો ઉદય ભાજપથી જ થયો છે, તેઓ માટે હજુ જગ્યા ખાલી છે: પાટીલ
રાજુલાના બાબરીયાધારમાં આહીર સમાજના સમૂહ લગ્નમાં સી. આર.
પાટીલના નિવેદનથી રાજકીય ખળભળાટ
રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરિશ ડેર તાજેતરમાં રાજ્ય સરકારના ભાજપના એકમંત્રી સાથે બેઠક કરી હતી. જેને પગલે ભારે સસ્પેન્સ સર્જાયું છે. દરમિયાન આજે અમરેલી જિલ્લામાં રાજુલાના બાબરીયાધાર ગામે આહિર સમાજ સમીતીના 14માં સમૂહ લગ્નમાં ખાસ ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એવું નિવેદન આપ્યું હતું કે, ભાજપના ઘણા આગેવાનો કોંગ્રેસના ધારાસભ્ય અંબરિશભાઈ ડેરના સારા મિત્રો છે. ડેરના રાજકીય ઉદય ભાજપથી જ થયો છે અને તેઓના માટે ભાજપમાં હજુ જગ્યા ખાલી જ છે. તેઓના આ નિવેદનથી અમરેલી પંથકમાં રાજકીય ખળગળાટ સર્જાઈ ગયો છે.