ગઠિયાઓએ ઉચા વળતરની લાલચ આપી 3 મહિના સુધી પૈસા ખંખેયા: વળતર ચુકવવા સમયે હાથ ઊંચા કરી દેતા નોંધાતો ગુનો : એકની ધરપકડ
લોભી હોય ત્યાં ધુતારા ભુખે ન મરે તે ઉકિતને સાર્થક થતા ઘટના પ્રકાશમાં આવી છે. દીન પ્રતિદિન ગઠિયાઓ દ્વારા અવનવા કિમિયા દ્વારા લોકો સાથે ઠગાઈ કરવાના બનાવો વધવા પામ્યા છે.ત્યારે ગઈકાલે વધુ એક ઘટના પોલીસ ચોપડે પ્રકાશિત થઈ છે જેમાં બે પિતરાઈ ભાઈઓ દ્વારા સાત લોકોને શેરબજારમાં રોકાણ કરવાનું કહ્યું ઊંચું વળતર આપવાની લાલચ આપી શીશામાં ઉતારી સાત લોકો સાથે કુલ રૂપિયા 69.50 લાખની છેતરપિંડી કરતા પી.આઇ ધવલ હરીપરા દ્વારા ગુનો નોંધી એક ગઠીયાની ધરપકડ કરી બીજાની શોધખોળ હાથ ધરી છે.
વિગતો મુજબ રાજકોટના કાલાવડ રોડ ઉપર રૂરલ હાઉસિંગ બોર્ડમાં રહેતા અને ખોડીયાર ડેરી નામે વેપાર કરતા કમલેશભાઈ વશરામભાઈ ગોંડલીયા (ઉ.42)એ વાણીયાવાડી વિશાખા એપાર્ટમેન્ટમાં રહેતા હરેશ પ્રવીણભાઈ પીપળવા અને તેના પિતરાઈ ધાર્મિક રમેશભાઈ પીપળવા સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 69.50 લાખની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેમને જણાવ્યું હતું કે જાન્યુઆરી 2023માં મિત્ર જયેશભાઈ ગાંધી મારફ્ત આ બંને પિતરાઈ ભાઈઓનો પરિચય થયો હતો અને તેઓ બાપુના બાવલા સામે આવેલ રાજયોગ ચેમ્બરમાં મળવા ગયા ત્યારે બંનેએ કહેલ કે શેરબજારમાં રોકાણ કરવાથી સારો ફાયદો થશે રોકાણ ઉપર જે પ્રોફ્ટિ થશે તો તમને દર મહીને ફ્ક્તિ પાંચ ટકા લેખે અને પ્રોફ્ટિના રૂપિયા આપશે તેવી વાત કરતા વેપારીએ અને તેના અન્ય મિત્રોને પણ આ અંગે સમજાવતા મીટીંગ કરી તમામે રોકાણ કરવાનું નક્કી કર્યું હતું.
જેમાં મેં – ફેબ્રુઆરી 2023માં વેપારીના માતા-પિતા અને પત્નીના ખાતામાંથી 32 લાખ, માર્ચમાં પરબત લાખાભાઈ ખટાણાએ 12 લાખ, ફેબ્રુઆરીમાં રાણાભાઇ દેવરાજભાઈ ખટાણાએ 10 લાખ, માર્ચમાં જયેશ હિમતલાલ ગાંધીએ 3 લાખ, એપ્રિલમાં જયેશ સુરેશભાઈ પંડ્યાએ અઢી લાખ, માર્ચમાં હિરેનપૂરી અશ્વિનપૂરી ગોસાઈએ 5 લાખ અને માર્ચમાં કલ્પેશ અરવિંદભાઈ ઠકરારએ 5 લાખનું રોકાણ કર્યું હતું. ત્રણેક માસ સુધી પાંચ ટકા લેખે વળતર આપ્યા બાદ બંધ કરી દીધું હતું પૈસા માંગતા ખોટા વાયદાઓ આપતા હતા અને રોકાણ કરેલ પૈસા પણ પરત નહિ આપતા અંતે ફરિયાદ નોંધાવી હતી.જ્યારે આ મામલે એ ડીવીઝન પીઆઈ ધવલ હરીપરા સહિતે હરેશ પીપળવાની ધરપકડ કરી ધાર્મિકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.