કેદીને કોર્ટમાં રજુ કરવા આવેલા પોલીસની ખાનગી કાર અને એડવોકેટની કાર અથડાતા થઇ બબાલ
કોર્ટમાં પ્રાઇવેટ કારમાં કેદી સાથે આવેલા પોલીસ અને વકીલ વચ્ચે ઘર્ષણ થતા કાયદાના નિષ્ણાંતો વચ્ચે સરા જાહેર જીભાજોડી થતા કોટ૪ પરિસરમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ અને વકીલો વચ્ચે થયેલી બબાલ બાદ બંને પક્ષે સમાધાનના પ્રયાસો થયા હતા પરંતુ વકીલોએ પણ પોલીસને પાઠ ભણાવવાના મુડ સાથે ડીસ્ટ્રીક જજને ૧૦૦થી વધુ એડવોકેટની સહી સાથે લેખિત રાવ કરી છે.
પોલીસમેન ભૂપેન્દ્રસિંહ જનકસિંહ વાઘેલા અને યશપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા કેદીઓને ખાનગી કારમાં લઇને કોર્ટે આવ્યા હતા. ત્યારે એડવોકેટ તુષાર ગોકાણીની કાર સાથે કોર્ટ કમ્પાઉનમાં જ અથડાતા બંને પોલીસમેને એડવોકેટ તુષાર ગોકાણી સાથે અસભ્ય વર્તન કરી જીભાજોડી કરી હતી.
ત્યારે વકીલો પણ કેદીઓને પ્રાઇવેટ કારમાં રજુ કરવાની સગવડ આપો છો અને લાજવાને બદલે ગાજો છો તેવું બંને પોલીસને સ્પષ્ટ રીતે મોઢે સંભળાવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ મામલો થાળે પાડવા કોર્ટે દોડી આવ્યા હતા ત્યારે ૧૦૦થી વધુ એડવોકેટ દ્વારા સહી કરી બંને પોલીસ સામે કડક કાર્યવાહી કરવા માટેની માગણી સાથે ડીસ્ટ્રીક જજ ગીતા ગોપીને લેખિત રાવ કરી છે. ડીસ્ટ્રીક અદાલતમાં વકીલોની અરજીની અરજન્ટ સુનાવણી શરૂ કરી છે.