હરિપર (પાળ) પાસે એલીગન્સ પાર્ટી પ્લોટ નજીકના ૩૦૦ વારના મકાનનું પેમેન્ટ લઈ દસ્તાવેજ ન કરી આપ્યો
લોધીકા તાલુકાના હરિપર (પાળ)ના રાજપુત વૃદ્ધને એલીગન્સ પાર્ટી પ્લોટ પાસેના ૩૦૦ વારનું મકાન વેચાણ આપવાનું નકકી કરી પેમેન્ટ પુરેપુરું મેળવી લીધા બાદ રાજકોટના દંપતિએ દસ્તાવેજ ન કરી આપી રૂ.૧.૨૬ કરોડની છેતરપિંડી કર્યાની લોધીકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધીકાના હરિપર (પાળ) ગામે રહેતા વિમલભાઈ નરસિંહભાઈ સરવૈયા નામના રાજપુત વૃદ્ધે રાજકોટના સાધુ વાસવાણી રોડ પર પારીજાત બંગ્લોમાં રહેતા વ્રજલાલ જયંતિલાલ ધાનક અને તેમના પત્નિ મેનાબેન ધાનક સામે રૂ.૧.૨૬ કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એચ.પી.ગઢવી સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.
વિમલભાઈ સરવૈયાએ મકાન ખરીદ કરવાનું હોવાની પોતાના જાણીતા એસ્ટેટ બ્રોકર આશિષભાઈ અભાણી અને શ્યામભાઈ સચદેવનો રાજકોટના યાજ્ઞિક રોડ પર હિરાપન્ના કોમ્પ્લેક્ષ ખાતે સંપર્ક કરતા તેઓએ હરિપર (પાળ) ખાતે રોયલ હોમ્સની બાજુમાં વ્રજલાલ ધાનકનું ૩૦૦ વારનો બંગલો બતાવ્યો હતો. બંગલો ખરીદવાનું નકકી થતા વ્રજલાલ ધાનક સાથે બે થી ત્રણ મિટીંગ કરી રૂ.૧.૩૪ કરોડમાં ખરીદ કરવાનું નકકી કરી ટોકન પેટે પ્રથમ રૂ.૨ લાખ ત્યારબાદ રૂ.૫ લાખ એમ કુલ રૂ.૭ લાખ ચુકવી દીધા હતા.
ત્યારબાદ બાકીનું પેમેન્ટ રૂ૧.૨૬ કરોડ કટકે કટકે મેનાબેન ધાનકને કરી આપ્યા બાદ સાટાખાટ કરી આપવાનું જણાવતા તેઓએ મકાનમાં રહેવા જેવું હોય તો તમારા દિકરાના નામે મકાન ભાડા કરાર કરી આપવાનું જણાવી સાટાખાત કરી આપ્યો ન હતો.
આ મકાન અંગે તપાસ કરતા રમેશભાઈ નામની વ્યકિતના નામે સાટાખાટ થયા હોવાનું જાણવા મળ્યું હતું. મકાન પેટે રૂ.૧.૨૬ કરોડ મેળવી લીધા બાદ વ્રજલાલ ધાનક અને તેના પત્નિ મેનાબેન ધાનકે દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.