મકાનના નકશા માટે એક વર્ષથી ધક્કા ખવડાવતા હોવાનું પ્રૌઢનું રટણ : એટીપીએ આક્ષેપો નકાર્યા
સરકારી કચેરીઓમાં કામ કઢાવવા અરજદારો નવી નીતિ અપનાવી રહ્યા હોય તેમ ટાઉન પ્લાનિંગ શાખામાં એટીપી સહિતના કર્મચારીઓ મકાનના લેઆઉટ માટે ધક્કા ખવડાવી માર્યો હોવાના આક્ષેપ સાથે આધેડ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ જીવાભાઇ માલવી નામના 50 વર્ષના આધેડ સવારના અગીયારેક વાગ્યાના અરસામાં વેસ્ટ ઝોન કચેરી બિગ બજારની પાછળ આવેલી ટાઉન પ્લાનિંગ ઓફિસમાં હતા. ત્યારે એટીપી રેનિસ વાછાણી સહિતના કર્મચારીઓએ ધક્કો મારી પછાડી દીધા હોવાના આક્ષેપ સાથે મુકેશભાઈ માલવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં મુકેશભાઈ માલવીએ એવા આક્ષેપ કર્યો હતા કે ગુલાબનગરમાં આવેલા તેના મકાનના લે આઉટ માટે છેલ્લા એક વર્ષથી ટાઉન પ્લાનિંગ શાખાના કર્મચારીઓ ધક્કા ખવડાવી રહ્યા છે અને પાડોશીના મકાનની દિવાલ ગેરકાયદેસર છે અને તે ટીપીમાં આવે છે તે દિવાલ પાડવા કોર્ટ અને કમિશનરનો આદેશ હોવા છતાં પણ કાર્યવાહી થતી નથી અને આજે મકાનના લેઆઉટના નકશા માટે આવ્યો હતો. ત્યારે એટીપી વાછાણી સહિતના કર્મચારીએ ધક્કો મારી પછાડી દઈ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
કામ કઢાવવા અરજદાર આરોપ લગાવી રહ્યા છે: એટીપી રેનીસ વાછાણી
વેસ્ટ ઝોન કચેરી પાછળ આવેલી ટાઉન પ્લાનિંગ શાખામાં મકાનના લે આઉટ માટે ગયેલા આધેડે ટાઉન પ્લાનિંગના એટીપી વાછાણી સહિતના સ્ટાફે ધક્કો મારી પછાડી દઇ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આ અંગે એટીપી રેનીસ વાછાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,” અરજદાર આક્ષેપ કરે છે કે તેઓને છેલ્લા એક વર્ષથી ધક્કા ખવડાવવામાં આવે છે.
પરંતુ સાત માસથી જ મેં ચાર્જ સંભાળ્યો છે અને અરજદાર પહેલા બીજી બાબત માટે આવતા હતા અને કાલે મકાનના નકશા માટે આવ્યા હતા. પરંતુ રજા ચિઠ્ઠી નંબર ખોટો લઈને આવતા તેઓને સાચો નંબર લાવવાનું જણાવતા તેઓ આજે પણ ખોટો નંબર લઈને આવ્યા હોવાથી તેઓને સાચો નંબર લાવવાનું કહેતા અરજદારે ઓફિસ બહાર ગાળા ગાળી કરી હતી. પરંતુ કોઈએ માર માર્યો નથી કે કોઈપણ સ્ટાફ ઓફિસની બહાર પણ નીકળ્યો નથી અને અરજદારે કામ કઢાવવા આરોપ લગાવ્યો હોવાનું એટીપી વાછાણી જણાવ્યું હતું.