સુરત, બરોડા અને અમદાવાદની માફક હવે રાજકોટમાં પણ આરોગ્ય કેન્દ્ર સળંગ ખુલ્લા રાખવાનો નિર્ણય: આરોગ્ય કર્મચારીઓની રજૂઆતને સફળતા: દિવાળીના તહેવારમાં નોકરીનો સમય માત્ર 4 કલાક જ રહેશે

છેલ્લા પોણા બે વર્ષથી કોરોના સામે ઝઝુમી રહેલા કોર્પોરેશનના આરોગ્ય કર્મચારીઓની માંગણીનો મ્યુનિ.કમિશનર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. આજથી સળંગ પાંચ દિવસ સુધી આરોગ્ય કર્મચારીઓએ માત્ર 4 કલાક જ નોકરી કરવાની રહેશે. દરમિયાન એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે તમામ 21 આરોગ્ય કેન્દ્રોમાં બપોરની 3 કલાકની રીશેષ રદ કરી દેવામાં આવી છે અને આરોગ્ય કેન્દ્ર સળંગ 8 કલાક ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે આજ સાંજ સુધીમાં સત્તાવાર પરિપત્ર પ્રસિધ્ધ કરી દેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, સુરત, અમદાવાદ, વડોદરા મહાનગરપાલિકાની માફક રાજકોટમાં પણ આરોગ્ય કેન્દ્રો સવારે 9 થી લઈ સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવે તેવી આરોગ્ય કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી માગણી કરવામાં આવી રહી હતી. હાલ આરોગ્ય કેન્દ્રો સવારે 8:30 થી બપોરે 12:30 સુધી ખુલ્લા રહે છે.

ત્યારબાદ 3 કલાકની રીશેષ રહે અને ફરી બપોરે 3:30 થી સાંજના 6:30 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવે છે. બ્રેકના કારણે આરોગ્ય કર્મીઓનો વધુ સમય વ્યય થાય છે. બપોરબાદ દર્દીનો એટલો ટ્રાફિક રહેતો નથી જેને નજરે રાખી હવે આરોગ્ય કેન્દ્રો સળંગ 8 કલાક ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત હવે 45 સ્લમ વિસ્તારોમાં દિનદયાલ ઔષધાલય શરૂ કરી દેવામાં આવ્યા છે જે સાંજે 5 થી લઈ રાત્રીના 9 સુધી સતત ધમધમતા રહે છે જેના કારણે આરોગ્ય કેન્દ્રો સાંજે બંધ રાખવામાં આવે તો પણ લોકોએ કશી હાલાકી વેઠવી પડે તેમ નથી.

આ તમામ પરિબળો ધ્યાનમાં રાખી આરોગ્ય કેન્દ્રો સળંગ 8 કલાક ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગે ટૂંકમાં પરિપત્ર પ્રસિધ્ધ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.