- ખેતીની જમીન બંજર બનાવી દીધી, કુવાના પાણી પ્રદુષિત થઇ ગયા: અસરગ્રસ્તોને સહાય ચૂકવવામાં પણ તંત્રની ભેદી ઢીલ
- 42 આસામીઓની જમીનને પારવાર નુકશાની: ગ્રામજનોનું જીવવું દુષ્કર બની ગયુ
રાજકોટ મહાનગર પાલિકાના ડમ્પીંગ યાર્ડના કારણે નાકરાવાડી ગામની સ્થિતિ નર્કાગારથી પણ બદતર બની જવા પામી છે. ગામમાં રહેવું ગ્રામજનો માટે જીવવું દુષ્કર બની ગયું છે. ઉપજાવ જમીન બજંર બની જવા પામી છે. જ્યારે નદી-નાળા અને કુવાના પાણી પ્રદુશિત બની ગયા છે. 42 આસામીઓને પારાવાર નુકશાની થવા પામી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટના 21 મેના તથા યાદીપત્ર અને 10 જૂનના પત્રથી નાકરાવાડીમાં કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના તા.20/12/2013ના ચુકાદાના ડાયરેક્શન મુજબ પ્રોજેક્ટની આસપાસના એટલે કે ડમ્પીંગ સ્ટેશનથી 500 મીટરની ત્રિજ્યામાં અસરગ્રસ્ત ગ્રામજનોને નુકશાન વળતર પેટે રૂ.20000/- ચુકવવાનો આદેશ અપાયો છે. નાકરાવાડી ખાતે આવેલ આર.એમ.સી.ના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાનના કારણે જે જમીન ધારકોની રહેણાંક, ખેતી કે અન્ય કિસ્સાઓમાં નુકશાન થયેલ હોય તો સ્થળ તપાસ કરી કઇ રીતે નુકશાન થયેલ છે? અને અસરગ્રસ્તોની ઓળખ કરી સહાય ચુકવવા માટે મામલતદાર, રાજકોટ તાલુકા તથા પ્રાદેશીક અધિકારી, જીપીસીબી, નાયબ ખેતી નિયામક, રાજકોટ, તાલુકા વિકાસ અધિકારી, રાજકોટ તાલુકાએ સ્થળ તપાસ હાથધરી પાણી તેમજ જમીનના નમુના લઇ તે મુજબ અસરગ્રસ્તોની ઓળખ કરી, રહેણાંક, ખેતી મિલકતના આધારો મેળવી, પ્રદૂષણ બાબતે નુકશાની અંગે સર્વે કરી ક્યા વ્યક્તિને કઇ રીતે અને કેટલા અંશે નુકશાન થયું છે. તેની સમગ્ર વિગતો મેળવી ખરેખર જે લોકો અસરગ્રસ્ત થયેલ હોય તેની ચકાસણી કરી અસરગ્રસ્તોની સંકલીત યાદી તૈયાર કરી સ્થળની ખરાઇ અંગેના ગુગલ ઇમેજ સાથેનો અહેવાલ મોકલી આપવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગર પાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની 500 મીટરની ત્રિજ્યામાં સ.નં.129, 129 પૈ.2, 130, 131 પૈ.1, 131 પૈ.2 અને 132 આવે છે. જેના જમીનના સેમ્પલ પૃથ્થકરણ માટે અગાઉ તા.20/07/2024ના રોજ લીધેલ છે. જેના નમુનાઓનો પરિણામ રિપોર્ટ આવી ગયેલ છે.
જી.પી.સી.બી. દ્વારા ડમ્પીંગ સાઇટથી કુદરતી નાળામાં, વહેણમાં આવતા પાણીના નમુના તેમજ સ.નં.123- બાબુભાઇ ડાભી તેમજ સ.નં.132 દિનેશભાઇ વિરજીભાઇ રામાણીના કુવામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવેલ છે તેમજ ડમ્પીંગ સાઇટથી જે પાણી વહેણમાં આવે છે. તે પાણી પ્રાથમીક દ્રષ્ટિએ કલર વધુ જણાયા હતા. ડમ્પીંગ સાઇટથી જે પાણી વહેણમાં વોંકળામાં આવે છે તે અટકાવવામાં આવે અથવા તો નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂતોને થતું નુકશાન અથવા તો ભુગર્ભ જળમાં થતું નુકશાન અટકાવી શકાય તેમ છે. તેવું પ્રાથમીક દ્રષ્ટિએ જણાય છે.
નાકરાવાડી ગ્રામ પંચાયતના સરપંચ તરફથી તા.6/07/2024ના પત્રથી કુલ 42 આસામીની યાદી રજુ થયેલ છે. જેની સ્થળે તપાસ કરેલ છે. ગામ લોકો દ્વારા આ યાદી મુજબના આસામીઓને ડમ્પીંગ સાઇટથી આવતા પાણીથી નુકશાન થતું હોવાનું જણાવે છે.
નાકરાવાડી ગ્રામ પંચાયતને કોર્પોરેશને વેરાપેટે રૂ.1.24 કરોડ ચૂકવ્યા જ નથી !
શૈલેન્દ્રસિંહ જાડેજાએ પંચાયતમાં આરટીઆઈ કરી હતી. રાજકોટ મનપાને કચરાના નિકાલ તેમજ અન્ય પ્રોસેસિંગ માટે 2002માં નાકરાવાડીમાં જમીન અપાઈ હતી અને તે જમીન બિન્નખેતીની પ્રક્રિયા થતા તે બદલ પંચાયતને 1,82,10,600 રૂપિયા ભરવાના થતા હતા. આ રકમમાંથી મનપાએ 57,66,687 રૂપિયાની રકમ વાંધા તરીકે લીધી છે. તેથી તે બાદ કરાતાં હાલ 1,24,43,943 રૂપિયા ભરવાના થાય છે. આ બાકી રકમ પંચાયતે ઉઘરાવીને સરકારમાં જમા કરાવવાની હોય છે અને જ્યાં સુધી આ 2કમ ભરાય નહીં ત્યાં સુધી દર વખતે પંચાયત પર ઉચ્ચસ્તરેથી તવાઈ આવે છે અને તેના લેણામાં બાકી જ ભોલતા હોવાથી પ્રોગ્રેસ ન બતાવી શકતા તેની અસર ઘણી પડે છે. ઘણા સરકારી કાર્યક્રમોમાં જમીન મહેસૂલની ઉઘરાણી નિયમિત થતી હોય તો જે-તે ગામને ગ્રાન્ટ સહાય તેમજ અન્ય પુરસ્કાર પણ અપાય છે અને તેથી જ એપ્રિલ માસથી મહેસૂલ ઉઘરાવવાની ઝુંબેશ હાથ ધરી નોટિસ ફટકારાય છે પણ મનપા સામે ગ્રામ પંચાયત લાચાર હતા કોઇ કાર્યવાહી થતી નથી.
હંજર બાયોટેકને રૂ.25 લાખના દંડના આદેશને યથાવત રાખતી સુપ્રીમ કોર્ટ
રાજકોટમાંથી ઘન કચરાનો નિયમાનુસાર નિકાલ કરવા મામલે સમગ્ર મામલો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)માં 2013માં ગયો હતો. જેમાં હંજર બાયોટેક કંપનીને 25 લાખ રૂપિયા જમા કરાવી અસરગ્રસ્ત ખેડૂતોને વહેંચવા માટે આદેશ આપ્યો હતો. હંજર બાયોટેક દ્વારા તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરાતા કોર્ટે 7 મે-2024એ અપીલ કાઢી નાખી એનજીટીના ચુકાદાને યથાવત રાખ્યો છે. તે સાથે અસરગ્રસ્ત દરેક ખેડૂતને 20 હજાર રૂપિયા ચૂકવવા પણ જણાવાયું છે. બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હંજર બાયોટેક કંપનીને બ્લેક લિસ્ટેડ કરીને તેની સામે આશરે 1151 કરોડ રૂપિયા લેવાના નીકળતા હોવાનું આર્બિટ્રેશન ટ્રિબ્યુનલમાં જવાબમાં જણાવ્યું છે.
પર્યાવરણ મુદ્દે મહાનગરપાલિકાનું તંત્ર, ગુજરાત અને કેન્દ્રનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના સત્તાવાળાઓ કેટલી હદે બેદરકાર હોય છે. તેનો સમગ્ર મામલો દાયકાથી ચાલતા આ કેસ પરથી બહાર આવ્યો છે. એનજીટીમાં જીપીસીબી, રાજકોટ મનપા, હંજર બાયોટેક અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વિરૂદ્ધ રાજકોટના સ્થાનિક નાકરાવાડીના ગ્રામજનો અને પર્યાવરણ મિત્ર સંસ્થાએ એનજીટીમાં કેસ 2013માં કર્યો હતો. રાજકોટ શહેરનો કચરો નિકાલ કરવાનું કામ પેટા કોન્ટ્રાક્ટથી હંજર બાયોટેક પ્રા.લિ.ને સોંપવામાં આવ્યું હતું. એનજીટીએ ચુકાદામાં જે ટિપ્પણી કરી હતી તે મુજબ હંજર બાયોટેક દ્વારા યોગ્ય રીતે કામગીરી થઇ રહી હોવાનો દાવો નકારવામાં આવ્યો હતો. પ્રદૂષણ બોર્ડ દ્વારા અનેક નોટિસ અપાઇ હતી. તેને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. પર્યાવરણ તેમજ પાણી ઘન કચરાનો યોગ્ય રીતે નિકાલ થયો ન હતો.