રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પ્લેક્સ પાસે વોંકળાનો સ્લેબ ગત રવિવારે ધરાશાયી થયો હતો. જેમાં એક વૃદ્વાનું મોત નિપજ્યું હતું અને 35થી વધુ લોકો ઘાયલ થયા હતા. શહેરીજનોની સલામતીને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા સર્વેશ્વર ચોકમાં રોડ પરનો ભાગ કે જેના નીચેથી વોંકળો પસાર થાય છે. તે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં ક્ધસલ્ટન્ટ પાસેથી નવી ડિઝાઇન મેળવી જરૂરીયાત મુજબ નવો સ્લેબ બનાવવામાં આવશે.

રોડ પરનો ભાગ જેના નીચેથી વોંકળો પસાર થાય છે તે તોડી નવી ડિઝાઇન સાથે રસ્તાનું નિર્માણ કરાશે

આ અંગે સત્તાવાર જાહેરાત કરતા મેયર નયનાબેન પેઢડિયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પ્લેક્સ પાસે વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચકાસવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેનો રિપોર્ટ આવે તે પૂર્વે જ શહેરીજનોની સુખાકારીને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સર્વેશ્વર ચોકમાં જ્યાં રોડ પરના નીચેના ભાગ પર વોંકળો પસાર થાય છે તેને તોડી પાડવામાં આવશે અને તેના સ્થાને નવો સ્લેબ બનાવવામાં આવશે. ટૂંક સમયમાં ક્ધસલ્ટન્ટ પાસેથી ડિઝાઇન મેળવીને કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

સરદાર નગર મેઇન રોડથી શિવમ કોમ્પ્લેક્સ અને મેહુલ કિચન પાસેથી વોંકળા પર રોડ બનાવવામાં આવ્યો છે. તે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓએ ઓચિંતા લીધેલા આ નિર્ણયથી ભારે આશ્ર્ચર્ય ફેલાઇ ગયું છે. કારણ કે હજુ સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ આવ્યો નથી. ત્યાં સર્વેશ્વર ચોકનો વોંકળો તોડી પાડવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. વોંકળાના નિર્માણ કામમાં જ ભ્રષ્ટાચાર થયો હોવાનું આડકતરી રીતે સાબિત થાય છે. બીજી તરફ શિવમ કોમ્પ્લેક્સ પાસે જ્યાં વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થયો હતો. તે બિલ્ડીંગને સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ આપવા નોટિસ અપાઇ છે. પરંતુ હજુ સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

વર્ષો પહેલા આચરવામાં આવેલો ભ્રષ્ટાચાર ખૂલ્લો ન પડે તે માટે વર્તમાન પદાધિકારીઓએ તાત્કાલીક અસરથી સર્વેશ્વર ચોકમાં રોડ નીચે જ્યાંથી વોંકળો પસાર થાય છે તેને તોડી નવો બનાવવાનો આશ્ર્ચર્યજનક અને ભ્રષ્ટાચારને ઢાંકતો નિર્ણય લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.