બે સ્થળેથી ફરાળી ચેવડાના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલાયા: 3 કિલો તપકીરવાળી પેટીસ, 15 કિલો અખાદ્ય તેલ અને 17 કિલો પસ્તીનો નાશ
શ્રાવણ મહિનામાં ફરાળી ચીજવસ્તુઓનું વેંચાણ વધુ માત્રામાં થતું હોય વેપારીઓ ફરાળમાં ભેળસેળ કરતા હોવાની આશંકાના આધારે છેલ્લા ઘણા દિવસોથી આરોગ્ય શાખા દ્વારા ફરાળી ચીજવસ્તુનું વેંચાણ કરતા ધંધાર્થીને ત્યાં નિયમીત ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આજે અલગ અલગ 15 સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 2 સ્થળેથી ફરાળી ચેવડાના નમુના લેવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ગોંડલ રોડ પર સ્વીટ એન્ડ સ્નેકમાં ચેકિંગ દરમિયાન 3 કિલો તપકીરવાળી પેટીસનો નાશ કરવામાં આવ્યો હતો. અંબાજી કડવા પ્લોટમાં ન્યુ રમેશ સ્વીટમાર્ટમાં 2 કિલો દાઝયા તેલનો નાશ કરાયો હતો.
ગુરૂપ્રસાદ ચોકમાં પટેલ ગાંઠીયા-પેટીસમાં ચેકિંગ દરમિયાન 3 કિલો દાઝ્યા તેલનો નાશ કરાયો હતો. બાલાજી ભવાની ફરસાણમાં છાપેલી 8 કિલો પસ્તી અને 4 કિલો દાઝયા તેલનો નાશ કરાયો હતો. જ્યારે ભગવતી ફરસાણમાં 9 કિલો પસ્તી અને 6 કિલો તેલનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગોંડલ રોડ પર જલારામ ગાંઠીયા અને ઓમ સાંઈ પેટીસ, રામનગરમાં જલારામ ફરસાણ અને મહાવીર ફરસાણ, ગુરૂપ્રસાદ ચોકમાં જય સીયારામ ડેરી ફાર્મ, અંબાજી કડવા પ્લોટમાં શ્રી ભેરૂનાથ નમકીન, સ્વામીનારાયણ ચોકમાં રામેશ્ર્વર નમકીન અને મોમાઈ ફરસાણ જ્યારે કૃષ્ણનગર મેઈન રોડ પર મનિષ ફરસાણ અને શિવમ ફરાળી ભેળમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફરસાણ બનાવવા માટે વપરાતા ખાદ્ય તેલમાં ટીપીસી વેલ્યુની ચકાસણી કરવામાં આવી હતી.
આજે ચેકિંગ દરમિયાન કુવાડવા રોડ પર સદ્ગુરૂ કોમ્પલેક્ષમાં શ્રી ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાંથી લુઝ રાજગરાના ફરાળી ચેવડાનો નમુનો લેવામાં આવ્યો હતો. જ્યારે કોઠારીયા મેઈન રોડ પર શ્રદ્ધા નમકીનમાંથી શ્રદ્ધા બાઈટ રાજગરા ચેવડાનો નમુનો લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો. આજે ચેકિંગમાં તપકીરવાળી પેટીસ, અખાદ્ય તેલ અને છાપેલી પસ્તીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.