રૂા.2291 કરોડનું બજેટ 50% એ પણ પહોંચશે નહીં: તીવ્ર નાણાંકીય ખેંચના કારણે વિકાસ કામો ખોરંભે
રાજકોટ મહાનગરપાલિકાની પોતાની કહી શકાય તેવી એકમાત્ર આવક ટેક્સની છે. ચાલુ નાણાંકીય વર્ષમાં અપાયેલા રૂા.340 કરોડના લક્ષ્યાંક સામે આજ સુધીમાં માત્ર 161 કરોડની વસૂલાત થવા પામી છે. હાલ કોર્પોરેશનની તીજોરી તળીયા ઝાટક થઇ ગઇ છે. જો હવે જમીન વહેંચવામાં નહીં આવે તો આવતા મહિનેથી પગારના પણ ફાફા પડી જશે. ચાલુ નાણાંકીય વર્ષનું રૂા.2291 કરોડનું બજેટ 50%એ પણ પહોંચશે તેવી શક્યતા પણ જણાતી નથી. નાણાંકીય ખેંચના પાપે વિકાસ કામો ખોરંભે ચડી ગયા છે.
મહાપાલિકા હાલ તીવ્ર નાણાંકીય કટોકટીનો સામનો કરી રહ્યુ છે. જેના કારણે ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરને સમયસર પેમેન્ટ ચુકવાતું ન હોવાનાને કારણે કામની ગતિ ઘટી જવા પામી છે. દિવાળીના તહેવાર પૂર્વે કોર્પોરેશનને સોનાની લગડી જેવા 9 પ્લોટ વહેચવા માટે કાઢ્યા હતાં પરંતુ ઉપરથી દબાણ વધવાને કારણે આ પ્લોટની હરરાજી છેલ્લી ઘડીએ કેન્સલ કરવામાં આવી હતી. હવે એવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે કે જો તાત્કાલીક અસરથી જમીન વહેચવામાં નહીં આવે તો આવતા મહિનેથી કર્મચારીઓના પગાર કરવાના નાણાં પણ કોર્પોરેશન પાસે નહીં બચે. હાલ તમામ વિકાસ કામો સંપૂર્ણપણે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર નિર્ભર થઇ ગયા છે.
આવામાં રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન બાદ સમયસર ગ્રાન્ટ પણ મળતી નથી. જેના કારણે ભારે મુસિબત ઉભી થવા પામી છે. ચાલુ નાણાંકીય વર્ષમાં રૂા.1489 કરોડના વિકાસ કામો સૂચવવામાં આવ્યા હતાં. જે પૈકી 25% કામો પણ હજુ શરૂ થઇ શક્યા નથી. આવાસ યોજનાના 423 કરોડના કામો પૈકી માત્ર 150 કરોડના કામ શરૂ થયાં છે. રિવાઇડઝ બજેટનો આંક 50%એ આવીને ઉભો રહી જાય તેવી શક્યતા જણાઇ રહી છે. હાલ તીવ્ર નાણાંકીય કટોકટીના કારણે પદાધિકારી અને અધિકારીઓ ચિંતિત થઇ ગયાં છે.
બાકી રહેતાં ટેક્સના નાણાં વસૂલવા માટે રિક્વરી સેલ ઉભો કરવાની જાહેરાત ચોક્કસ કરવામાં આવી છે. પરંતુ અપૂરતા સ્ટાફના કારણે હજુ સુધી રિક્વરી સેલની રચના કરાઇ શકાય નથી.
બજેટનો ધમધમાટ: શાખા વાઇઝ આવક-જાવકના ડેટા મંગાવાયા
આવતા સપ્તાહથી દરેક શાખા અધિકારીઓ સાથે યોજાશે બજેટ બેઠક
રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષ-2022-23નું અંદાજપત્ર તૈયાર કરવા માટે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. હિસાબી શાખા દ્વારા દરેક શાખા પાસેથી અંદાજીત આવક અને જાવકના આંકડાઓના ડેટા મંગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. નવા વર્ષનું બજેટ અને ચાલુ નાણાંકીય વર્ષનું રિવાઇડ્ઝ બજેટ તૈયાર કરવા માટે આવતા સપ્તાહથી શાખા વાઇઝ બેઠક યોજાશે.
હિસાબી શાખાએ તમામ શાખાના અધિકારીઓને સંભવિત આવક-ખર્ચના આંકડાઓ રજૂ કરવા માટે સૂચના આપી દીધી છે. ચાલુ નાણાંકી વર્ષનું રૂા.2291 કરોડનું બજેટ 50%એ પણ પહોંચે તેવી કોઇ જ શક્યતા જણાતી નથી. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય બજેટમાં કોઇ નવો કરબોજ લાદવામાં આવે તેવી શક્યતા જણાતી નથી.