અબતક, રાજકોટ

રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ-2022-23નું અંદાજપત્ર અને વર્ષ-2021-22નું રિવાઇઝ્ડ બજેટ આગામી 31મી જાન્યુઆરી અથવા 1લી ફેબુ્રઆરીના રોજ મ્યુનિસિપલ કમિશનગર અમિત અરોરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. બજેટમાં પાણીવેરાના વર્તમાન દરમાં વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાઇ રહી છે. યોજનાઓના ભરમાર સાથે બજેટનું કદ વધારવાને બદલે વાસ્તવિક બજેટ મુકવામાં આવે તેવું હાલ દેખાઇ રહ્યું છે. કમિશનર દ્વારા અલગ-અલગ શાખાઓ સાથે બેઠકનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

સામાન્ય રીતે જાન્યુઆરી માસના અંતિમ સપ્તાહમાં બજેટ રજૂ કરી દેવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે બજેટ તૈયાર કરવામાં થોડો વિક્ષેપ ઉભો થયો છે. બજેટ બેઠક તો 10 ડિસેમ્બરથી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ હજુ સુધી બજેટના નામે કોઇ કામગીરી થઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે મ્યુનિસિપલ કમિશનરે અલગ-અલગ શાખાઓ સાથે બજેટ બેઠક શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ નાણાંકીય વર્ષનું બજેટ 15મી માર્ચના રોજ રજૂ કરવામાં આવ્યુ હતું. રૂા.2291 કરોડનું અંદાજપત્ર 50 ટકાએ પણ પહોંચે તેવી કોઇ જ શક્યતા લાગતી નથી.

યોજનાઓની ભરમાર સાથે બજેટનું કદ વધારવાને બદલે
વાસ્તવિક બજેટ મૂકાઇ તેવી સંભાવના: બજેટ બેઠકનો ધમધમાટ

છેલ્લાં ઘણા સમયથી મિલકત વેરા અને પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો ન હોય આ વખતે બજેટમાં પાણી વેરાના દરમાં સામાન્ય વધારો કરવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. સામાન્ય રીતે મ્યુનિ.કમિશનર દ્વારા બજેટમાં વેરો વધારાની દરખાસ્ત કરવામાં આવે તો શાસકો પ્રજાની નજરમાં વ્હાલા થવા માટે વેરો વધારવાની દરખાસ્ત ફગાવી દેતા હોય છે. આ વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવાની હોય જો વેરામાં વધારો સુચવવામાં આવશે તો પણ શાસકો તેને એક ઝાટકે ફગાવી દે તેવી સંભાવના રહેલી છે. નિયમ અનુસાર 20મી ફેબ્રુઆરી સુધીમાં બજેટ જનરલ બોર્ડમાં મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલી દેવું પડે છે. આવામાં જો કમિશનર મોડામાં મોડું 1લી ફેબ્રુઆરી સુધીમાં બજેટ દરખાસ્ત સ્વરૂપે રજૂ ન કરે તો સ્ટેન્ડિંગ કમિટીને બજેટના અભ્યાસ અને મંજૂરીમાં વિપેક્ષ ઉભો થાય અને ત્યારબાદ જનરલ બોર્ડમાં નિયત સમયે બજેટ મંજૂર ન થાય તેવી સ્થિતિ પણ સર્જાય. આગામી સોમવાર અથવા મંગળવારે કોર્પોરેશનનું બજેટ જાહેર કરી દેવામાં આવશે.

ગુરૂવારે મેગા વેક્સિનેશન ડ્રાઇવ: શુક્રવારથી ડોર ટુ ડોર સર્વે

ડોર ટુ ડોર સર્વે માટે કોર્પોરેશન 550 ટીમો ઉતારશે

કોર્પોરેશન દ્વારા આગામી ગુરૂવારે મેગા વેક્સિનેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. જેમાં કોરોનાની વેક્સીનનો બીજો ડોઝ લેવામાં બાકી રહી ગયેલા 1.20 લાખ લોકોને ઘરે-ઘરે જઇ વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. દરમિયાન શુક્રવારથી 550 ટીમો દ્વારા ડોર ટુ ડોર હેલ્થ સર્વે હાથ ધરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા જણાવ્યું હતું કે શહેરમાં 1.20 લાખ લોકો એવા છે કે જેને કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો છે છતાં હજુ સુધી તેઓ કોઇ કારણોસર વેક્સીન લેવા માટે આવતા નથી.

તેઓએ મહાપાલિકા દ્વારા ફોન કરીને પણ જાણ કરી દેવામાં આવી છે. વેક્સીનનો બીજો ડોઝ લેવામાં બાકી છે તે તમામ લોકો માટે આગામી ગુરૂવારે મેગા વેક્સીનેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. જ્યારે 28મીથી સળંગ 10 દિવસ સુધી ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. જેમાં 550 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવશે. આ ટીમો દ્વારા સર્વે દરમિયાન જે લોકોનું વેક્સીનેશન બાકી છે તેને વેક્સીન આપશે. ઘરના તમામ સભ્યોની યાદી બનાવશે, તાવ-શરદી-ઉધરસ દ્વારા દર્દીઓની અલાયદી યાદી કરી તેનું ટેસ્ટીંગ પણ કરવામાં આવશે. દર્દીઓને દવા પણ અપાશે. વોર્ડ-વાઇઝ એક ધન્વંતરી રથ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. દર્દીઓને ફ્લુ કીટનું વિતરણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.