નોડલ ઓફિસર તથા આસિસ્ટન્ટ ઓફિસરની નિયુક્તી કરતા મ્યુનિ.કમિશનર
ઝોન કચેરી આવતા નાગરિકોને તમામ પ્રકારની સુવિધા અને મદદ મળી રહે તેવા ઉમદા આશ્રય સાથે કોર્પોરેશન દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં જનસંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવશે. આ માટે ગઇકાલે મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા ઝોન વાઇઝ નોડલ ઓફિસર અને આસિસ્ટન્ટ નોડલ ઓફિસરની નિયુક્તી કરવામાં આવી છે. ટૂંક સમયમાં ત્રણેય ઝોન કચેરી ખાતે જનસંપર્ક કાર્યાલય શરૂ કરી દેવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરીજનોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઝોન કચેરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન ગત બજેટમાં જનસંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવશે. તેવી ઘોષણા કરવામાં આવી હતી. મહાપાલિકાની અલગ-અલગ સેવાઓનો લાભ લેવા માટે ઝોન કચેરીએ આવતા લોકોને સરળતાથી તમામ પ્રકારની માહિતી મળી રહે તે માટે ત્રણેય ઝોનમાં જનસંપર્ક કાર્યાલય શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલયના નોડલ ઓફિસર તરીકે જીએડીના આસિસ્ટન્ટ મેનેજર ભૂમિબેન એચ.પરમારની નિયુક્તી કરવામાં આવી છે.
જ્યારે મદદનીશ નોડલ ઓફિસર તરીકે જીએડીના જુનિયર ક્લાર્ક મહેશભાઇ આર.વાગડીયાની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે વેસ્ટ ઝોન કચેરીના નોડલ ઓફિસર તરીકે વેરા વસૂલાત શાખાના આસિસ્ટન્ટ મેનેજર નિરજ એમ.વ્યાસની જ્યારે મદદનીશ નોડલ ઓફિસર તરીકે વેરા વસૂલાત શાખાના રવિન્દ્ર એચ.પંડ્યાની વરણી કરવામાં આવી છે. ઇસ્ટ ઝોન કચેરીના જનસંપર્ક કાર્યાલય માટે નોડલ ઓફિસર તરીકે ઇસ્ટ ઝોન કચેરીની વેરા વસૂલાત શાખાના આસિસ્ટન્ટ મેનેજર મયુરભાઇ ડી.ખીમસુરીયાની અને મદદનીશ નોડલ ઓફિસર તરીકે ઇસ્ટ ઝોન કચેરીની વેરા વસૂલાત શાખાના સિનિયર ક્લાર્ક પદ્માબેન ડી. ભટ્ટની નિયુક્તી કરવામાં આવી છે. તમામ નોડલ ઓફિસરોએ જનસંપર્ક કાર્યાલય માટે જરૂરી વ્યવસ્થા કરી પોતાની આસિસ્ટન્ટ મારફત કામગીરી કરાવવાની રહેશે.