હેલ્થ-વેલનેસ સેન્ટરમાં પ્રાથમિક આરોગ્યની સેવા સાથે યોગા પણ થશે
રાજકોટવાસીઓને આરોગ્યની ખેવના કરતું કોર્પોરેશન આગામી દિવસોમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા 16 સ્લમ વિસ્તારોમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરશે. જેના માટે ડોક્ટરની ભરતી કરવા માટે ગઇકાલે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ક્યા વિસ્તારમાં શરૂ કરવા તે સ્થળની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે.
આ અંગે કોર્પોરેશનની આરોગ્ય શાખાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં શહેરના અલગ-અલગ વોર્ડમાં આવેલા વિવિધ 16 સ્લમ વિસ્તારોમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સેન્ટરોમાં શહેરીજનોને પ્રાથમીક આરોગ્યની સેવાઓ તો ઉપલબ્ધ થશે. સાથોસાથે યોગાની પણ સવલત પ્રાપ્ત થશે. સેન્ટરનો સમય સવારે 9:00 થી બપોરે 1:00 સુધી અને સાંજે 5:00 થી રાત્રિના 9:00 વાગ્યા સુધીનો રહેશે. જેમાં એમબીબીએસ ડોક્ટર ઉપરાંત પીએચડબલ્યૂ સ્ટાફ, નર્સ, પટ્ટાવાળા અને સિક્યુરિટી ગાર્ડ સહિત કુલ પાંચ વ્યક્તિનો સ્ટાફ રાખવામાં આવશે. ગઇકાલે 16 સેન્ટરો માટે 11 માસના હંગામી ધોરણે એમબીબીએસ ડોક્ટરની ભરતી કરવા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.
જેમાં 70 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટરને માસિક રૂપિયા 70,000 પગાર ચૂકવવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 21 આરોગ્ય કેન્દ્રો કોર્પોરેશન દ્વારા કાર્યરત છે. જેમાં રોજ હજ્જારોની સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે. ઝુંપડપટ્ટી વિસ્તારમાં પંડિત દિનદયાલ ક્લિનીક પણ શરૂ કરવામાં આવી છે.
હવે લોકોના આરોગ્યની વધુ ખેવના કરવા માટે 16 સ્થળોએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવશે. આરોગ્ય કેન્દ્રમાં સતત આરોગ્યલક્ષી સેવાનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. ખાનગી લેબોરેટરીમાં જે રિપોર્ટના તોતીંગ ચાર્જ વસૂલવામાં આવે છે. તેવા 22 જેટલા રિપોર્ટ કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં તદ્ન નિ:શુલ્ક કરી આપવામાં આવી રહ્યા છે.