ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત કોર્પોરેશન દ્વારા ૧૧૮ કરોડના ખર્ચે રૈયા સ્માર્ટ સિટી એરિયામાં બનાવવામાં આવશે ૧૧૪૪ આવાસો: ૧લી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત
વાર્ષિક રૂ.૩ લાખ રૂપિયાની આવક ધરાવતા પરિવારને માત્ર રૂ.૩.૪૦ લાખમાં બે રૂમ, લિવિંગ રૂમ, રસોડાની સુવિધાથી સજ્જ આવાસ ફર્નિચર સાથે અપાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારના ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ૧૧૮ કરોડના ખર્ચે રૈયા સ્માર્ટ સિટી એરિયામાં પરશુરામ મંદિર પાસે ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે. આગામી ૧લી જાન્યુઆરીના રોજ સવારે ૧૧ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિલ્હીથી આ આવાસ યોજનાનું ઈ-ખાતમુહુર્ત કરવામાં આવશે. રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર મહાપાલિકા દ્વારા લાભાર્થીને માત્ર રૂ.૩.૪૦ લાખમાં ફર્નિચર સાથે ફ્લેટ આપવામાં આવશે.
આ અંગે કોર્પોરેશનમાં આવાસ યોજના વિભાગના વડા અલ્પનાબેન મિત્રાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિકને સુવિધાસભર આવાસ મળી રહે તે માટેના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે. જેમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરી એકસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસ બને તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અર્બન અફેર્સ વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજીથી આવાસ બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં માત્ર છ શહેરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. શહેરના રૈયા સ્માર્ટ સિટી એરિયા અર્થાત રૈયા ટીપી સ્કીમ ૩૨માં પરશુરામ મંદિર પાસે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત રૂ.૧૧૮ કરોડના ખર્ચે ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટ માટે મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેસના વડપણ હેઠળ એક ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે પ્રકિયા પૂર્ણ થઈ છે. આ પ્રોજેક્ટમાં બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સીલ પણ સામેલ છે.આવાસનું બાંધકામ ગુજરાત સરકારના અફોર્ડેબલ હાઉસિંગ મિશનની દેખરેખ હેઠળ કરવામાં આવશે. કોર્પોરેશન સ્માર્ટ સિટીમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાના આધારે બાંધકામ કરશે જેમાં વાર્ષિક ત્રણ લાખની આવક ધરાવતા પરિવારને માત્ર રૂપિયા ૩.૪૦ લાખમાં ૪૦ ચોરસ મીટર કારપેટ એરિયા ધરાવતું ટુ બીએચકે, લિવિંગ રૂમ, રસોડું સંડાશ બાથરૂમ અને વોશિંગ એરિયાની સુવિધા લાભાર્થીઓને આપવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, આંગણવાડી, ગાર્ડન અને કોમ્યુનિટી હોલ જેવી સહિયારી સુવિધા પણ લાભાર્થી મળશે.આ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ ૧.૫૦ લાખ તથા રાજ્ય સરકાર દ્વારા પણ પ્રતિ આવાસ ૧.૫૦ લાખની સહાય આપવામાં આવશે.નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેશનને પ્રતિ આવાસ ચાર લાખની ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ પણ આપવામાં આવશે.
સ્પેશિયલ સિટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રાએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાપાલિકા દ્વારા આ પ્રથમ અને છેલ્લી એવી આવાસ યોજના છે. જેમાં વાર્ષિક ત્રણ લાખની તઆવક ધરાવતા લાભાર્થીને ફર્નિચરની સુવિધાથી સજ્જ આવાસ મહાપાલિકા દ્વારા માત્ર રૂપિયા ૩.૪૦ લાખમાં ફાળવવામાં આવશે.ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત બનનારા ૧૧૪૪ આવાસમાં લાભાર્થીને કિચનમાં કેબિનેટ તથા બેડરૂમ કબાટનું ફર્નિચર આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ પેટે પ્રતી આવાસ કોર્પોરેશન રૂપિયા ચાર લાખની ફાળવણી કરવામાં આવી હોય તેનો લાભ પણ લાભાર્થી ને આપી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે મહાપાલિકા દ્વારા ઈડબલ્યુએસ- ટુ કેટેગરીના ૪૦ ચોરસ મીટરના કાર્પેટ ધરાવતા આવાસ લાભાર્થીને રૂ.૫.૫૦ લાખની કિંમતમાં આપવામાં આવે છે પરંતુ આ નવી ટેકનોલોજી થકી નિર્માણ પામનાર આવાસ માટે વિશેષ ગ્રાન્ટ મળી હોય જેનો લાભ લાભાર્થીઓને આપવામાં આવશે અને ૪૦ ચોરસ મીટર કારપેટ ધરાવતું આવાસ લાભાર્થીને માત્ર રૂ.૩.૪૦ લાખમાં જ ફાળવવામાં આવશે.
આ માટે ટૂંક સમયમાં ફોર્મ વિતરણ શરૂ કરી દેવામાં આવશે.રૈયા ટીપી સ્કીમ નંબર ૩૨માં મહાપાલિકા એરીયાને સ્માર્ટ સિટી એરિયા વિકસાવી રહી છે. જ્યાં પરશુરામ મંદિરની બાજુમાં આવેલા તળાવ પાસે આ ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ૧૩ માળનું બિલ્ડીંગ બનાવવામાં આવશે.
‘ફર્નિચર સાથે ફ્લેટ’ કોર્પોરેશનની પ્રથમ અને છેલ્લી આવાસ યોજના !!!
આવાસ યોજનાનો હવાલો સંભાળી રહેલા સ્પેશિયલ સિટી ઇજનેર આલ્પનાબેન મિત્રાએ જણાવ્યું હતું કે, ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત મહાપાલિકા દ્વારા જે ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમ અને છેલ્લી ટુ બીએચકેની એવી આવાસ યોજના હશે જેમાં લાભાર્થીને ૩.૪૦ લાખમાં બે રૂમની સગવડતા સાથેનો ફ્લેટ ફર્નિચરથી સુવિધા સાથે આપવામાં આવશે. ભવિષ્યમાં ક્યારેય હવે આ પ્રકારના આવાસ બનાવવામાં આવશે નહીં. આ યોજનાનો લાભ રાજકોટના જરૂરિયાતમંદ લોકો રહે તેવી પણ તેઓએ અપીલ કરી છે. લક્ઝરિયસ હાઇરાઇઝ બિલ્ડીંગોને પણ ટક્કર મારે તેવી આ આવાસ યોજના રહેશે.
ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ પેટે પ્રતિ આવાસ ચાર લાખની વધારાની સહાય મળી
૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિકને સુવિધાસભર આવાસ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આવાસ યોજના પ્રોજેક્ટ ઝડપથી સાકાર થાય તે માટે નવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ૧૧૮ કરોડને ખર્ચે ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે. જેના માટે ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ પેટે મહાપાલિકાને કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસની ચાર લાખની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેનો લાભ લાભાર્થીઓને મળી રહે તેઓ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે ઇડબલ્યુએસ-૨ કેટેગરીના આવાસ કે જેનો કારપેટ એરિયા ૪૦ ચોરસ મીટર હોય છે. જે વાર્ષિક ૩ લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને ૫.૫૦ લાખમાં આપવામાં આવી રહ્યા છે પરંતુ આ પ્રોજેક્ટમાં વધારાની ચાર લાખની ગ્રાન્ટ મળી હોય લાભાર્થીને આવાસ ૫.૫૦ લાખને બદલે માત્ર ૩ ૪૦ લાખમાં આપવાનું નિર્ણય લેવા આવ્યો છે.