અબતક, રાજકોટ
લોકો વેક્સીન મુકાવે અને કોરોનાથી સુરક્ષિત થાય તે માટે મહાપાલિકા દ્વારા આજથી 8મી ફેબ્રુઆરી સુધી ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. જે અનુંસધાને આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને રાજ્યના નોડલ ઓફિસર ડો. કમલેશ ઉપાધ્યાય દ્વારા શહેરના ત્રણેય ઝોન ખાતે મનપાના અધિકારીઓ સાથે “ડોર ટુ ડોર” અનુસંધાને મીટિંગ કરવામાં આવી હતી. સર્વે દરમ્યાન જે નાગરિકોને વેક્સીનનો બીજા ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય તેવા નાગરિકો અને જેઓનો પ્રિકોશન કોવીડ ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય તેવા નાગરિકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામે ચાલીને ઘર આંગણે જ રસી આપવામાં આવશે.
આજથી 8 ફેબ્રુઆરી સુધી “ડોર ટુ ડોર સર્વે” કામગીરી હાથ ધરાશે
આ કામગીરી વોર્ડના પ્રભારી, વોર્ડ ઓફિસર, નગર પ્રાથમિક સમિતિના શિક્ષકો, આશા વર્કરો અને આંગણવાડી બહેનો દ્વારા હાથ ધરવામાં આવશે. મ્યુનિ. કમિશનર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મીટીંગમાં રાજ્યના નોડલ ઓફિસર ડો. કમલેશ ઉપાધ્યાય તથા નાયબ મ્યુનિ. કમિશનરો આશિષ કુમાર, ચેતન નંદાણી, એ. આર. સિંહ, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, ડો. હાર્દિક મેતા, તમામ મેડીકલ ઓફિસરો તેમજ તમામ વોર્ડના વોર્ડ પ્રભારીઓ, વોર્ડ ઓફિસરઓ અને નગર પ્રાથમિક સમિતિના શિક્ષકો, આશા વર્કરો, આંગણવાડી બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.