ચોમાસાની સીઝન દરમિયાન વૃક્ષારોપણની પ્રવૃતિને પ્રોત્સાહન મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા વર્ષોથી ટ્રી-ગાર્ડનું વિતરણ કરવામાં આવે છે. દરમિયાન યુવા મેયરે ડો.પ્રદિપ ડવે આ વખતે નવો ચિલો ચાતર્યો છે. વૃક્ષારોપણની કામગીરી થયાનું લોકોને મહેસુસ થાય તે માટે હવે ટ્રી-ગાર્ડ આપવાના બદલે વૃક્ષારોપણનો કોન્ટ્રાકટ આપવામાં આવશે. વૃક્ષારોપણ માટે બે શરતો સાથે કોન્ટ્રાકટ આપવા આજે ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેટરોને પણ હવેથી ટ્રી ગાર્ડની ફાળવણી કરવામાં આવશે નહીં. તેઓએ વૃક્ષોનું વાવેતર કરવા માટે જે તે લોકેશન સુચવવાનું રહેશે અને પોતાના વોર્ડમાં વૃક્ષો ઉગી નીકળે તે માટે નગરસેવકોની જવાબદારી પણ ફીક્સ કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, ટ્રી-ગાર્ડ ખરીદી માટેની ટેન્ડર રદ કરાયા બાદ હવે વૃક્ષારોપણ માટેનો કોન્ટ્રાકટ આપવા માટે આજે શોર્ટ ટર્મ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં બે શરતો રાખવામાં આવી છે. કોઈ સેવાકીય સંસ્થા ખાડો ખોદી તેમાં 8 થી 10 ફૂટનું વૃક્ષ વાવી તેમાં ખાતર નાખી અને ટ્રી-ગાર્ડથી તેને સુરક્ષીત કરી આપે તો તેના ભાવો અને આટલું કામ કરવા ઉપરાંત જો આ વૃક્ષનું 3 વર્ષ માટે જતન કરે તો તેના ભાવ એમ બે શરતો સાથે ઓફર મંગાવવામાં આવી છે.

જે સંસ્થા દ્વારા 50,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેેને વૃક્ષારોપણનો કોન્ટ્રાકટ આપવામાં આવશે જેને વોર્ડ દીઠ ઓછામાં ઓછા 15 વૃક્ષનું વાવેતર કરવું ફરજિયાત છે. જ્યારે મહત્તમ મર્યાદા કોઈ નક્કી કરવામાં આવી નથી. તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોર્પોરેશનને જે ભાવમાં ટ્રી-ગાર્ડ પડતું હતું તે ભાવમાં વૃક્ષારોપણનો કોન્ટ્રાકટ પણ પડશે તેવી સંભાવના છે. સાથે સાથે ઉમેર્યું કે, દર વર્ષે કોર્પોરેટર દીઠ 75 નંગ ટ્રી-ગાર્ડની ફાળવણી કરવામાં આવે છે પરંતુ હવેથી નગરસેવકોને પાંજરા આપવામાં આવશે નહીં માત્ર તેઓએ પોતાના વોર્ડમાં ક્યાં સ્થળે વૃક્ષનું વાવેતર કરવું છે તેનું લોકેશન સુચવવાનું રહેશે.

આટલું જ નહીં વૃક્ષારોપણ માટે જેતે વોર્ડના નગરસેવકની જવાબદારી ફીક્સ કરવામાં આવશે. સેવાકીય સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે તે જમીન પર ફળીભૂત થાય છે કે કેમ, તેની જવાબદારી નગરસેવકને સોંપવાની વિચારણા ચાલી રહી છે. શોર્ટ ટર્મ ટેન્ડરની મુદત આગામી 14મી જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે. કોર્પોરેશનના ટીપીના રસ્તા અને અનામત પ્લોટ પર જમીનની ભૌગોલીક સ્થિતિ પ્રમાણે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને આ વૃક્ષ એકવાર રોપાયા બાદ ઉગી નીકળે તો તેને થોડા વર્ષોમાં કાપવું ન પડે તે માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે તેમજ ટીપી તથા ગાર્ડન વિભાગ અધિકારીનો અભિપ્રાય લઈ જે તે સ્થળે વૃક્ષ વાવવામાં આવશે. આ વર્ષે અર્બન ફોરેસ્ટમાં 60 હજાર અને શહેરી વિસ્તારમાં 40 હજાર વૃક્ષ વાવવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.