હર ઘર તિરંગા અંતર્ગત
25 રૂપિયા લેખે એક તિરંગો વેંચાશે: 13 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજકોટને તિરંગામય બનાવી દેવાશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન’ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દરેક દેશવાસીના મનમાં દેશદાઝ ઉભી થાય તે માટે પોતાના ઘરે લોકો રાષ્ટ્રધ્વજ લહેરાવે તેવું અભિયાન હાથ ધરવામાં આવનાર છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કોર્પોરેશન દ્વારા બે લાખથી વધુ તિરંગાઓની વેંચાણ કરવામાં આવ્યું છે. 25 રૂપિયા મુજબ શહેરીજનોને તિરંગો આપવામાં આવશે તેવી જાહેરાત આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ મહાપાલિકા દ્વારા અલગ-અલગ એનજીઓ, સંસ્થા, ક્લબ અને સમાજને સાથે રાખી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન બે લાખથી વધુ તિરંગાનું વેંચાણ કરવામાં આવશે. શહેરીજનોને રૂ.25 મુજબ તિરંગો આપવામાં આવશે. તિરંગાનું વેંચાણ ક્યાંથી અને કંઇ રીતે કરવામાં આવશે તેની ઘોષણા આગામી દિવસોમાં કરાશે.
રાષ્ટ્રધ્વજ રાત્રે ઉતારી લેવો કે કેમ? ગાઇડલાઇનની રાહ
નિયમ મુજબ સૂર્યાસ્ત પહેલા રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન દેશભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ યોજવાનું છે. જેમાં સતત ત્રણ દિવસ દેશવાસીઓ પોતાના ઘરે તિરંગો લહેરાવશે. આ અભિયાન અંતર્ગત રાત્રે તિરંગો ઉતારી લેવો કે લહેરાવવા દેવો તેને લઇ તંત્ર થોડું અસમંજસ મૂકાઇ ગયું છે. ગાઇડલાઇનની રાહ જોવાઇ રહી છે. જો રાષ્ટ્રધ્વજને સૂર્યાસ્ત સમયે ઉતારી લેવાની ગાઇડલાઇન જાહેર કરાશે તો રોજ લાખો ઘર પરથી તિરંગો ઉતારી લેવા અને બીજે દિવસે સવારે તેને ફરકાવવાની જવાબદારી કોને સોંપવી તે પણ મોટો પ્રશ્ર્ન છે.