ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાનને સાથે રાખી પાનની દુકાનોમાં પણ ચેકીંગ હાથ ધરાશે: ફૂડ લાઇસન્સ ન હોય તેવા દુકાનદારોને નોટિસ ફટકારાશે

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અલગ-અલગ કેટેગરીમાં આવતા દુકાનધારકોને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત આવતા સપ્તાહથી પાનની દુકાનો પર ધોંસ બોલાવવામાં આવશે. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાનને સાથે રાખી ચેકીંગ હાથ ધરવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ શાખા દ્વારા સેગમેન્ટ વાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અગાઉ ડેરી ફાર્મમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિઠાઇ અને ફરસાણના વેપારીઓ, ચા ના થડાં સહિતના સ્થળે ચેકીંગ હાથ ધરાયાં બાદ હવે આવતા સપ્તાહથી પાનની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવશે.

શહેરમાં 1500થી વધુ પાનની દુકાનો છે આટલું જ નહિં કેબિન અને રોડ પર બેસતાં પાનના ધંધાર્થીઓની સંખ્યા અલગ-અલગ છે. પાનના ધંધાર્થીઓએ ફૂડ લાઇસન્સ મેળવવું ફરજિયાત છે. તેઓ માત્ર શોપ એક્ટ લાઇસન્સ લેતાં હોય છે. પાનની દુકાનોમાં પાન, ફાકી ઉપરાંત વેફર્સ, બિસ્કીટ, પેપરમેન્ટ, ચોકલેટ અને નમકીન જેવી ખાદ્ય સામગ્રીઓનું વેંચાણ કરવામાં આવતું હોય છે. હાલ સ્વચ્છતા સર્વેક્ષણ પણ ચાલી રહ્યું હોય પાનની દુકાનોની આસપાસ ગંદકી ગંજ જોવા મળતાં હોય છે.

આવામાં આવતા સપ્તાહથી હાથ ધરવામાં આવનાર ચેકીંગ ઝુંબેશમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને કાફલાને પણ સાથે રાખવામાં આવે તેવી સંભાવના છે. ઝોન વાઇઝ અને વોર્ડ વાઇઝ ચેકીંગ ઝુંબેશ હાથ ધરાશે. સૌ પ્રથમ શહેરના 48 મુખ્ય રાજમાર્ગો પર આવેલી પાનની દુકાનોમાં ચેકીંગ કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશ: તમામ વિસ્તારોને આવરી લેવામાં આવશે. પાનના થડાંઓ પર ખાદ્ય સામગ્રીનું પણ વેંચાણ કરવામાં આવતું હોવાના કારણે તેને ફૂડ લાઇસન્સ લેવું પણ ફરજિયાત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.