ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની સુવિધા, ફર્સ્ટ ફ્લોર પર કોમ્યુનિટી હોલ, ડાઇનીંગ હોલ, કિચન, સ્ટોર, એટેચ ટોયલેટ સાથે રૂમની વ્યવસ્થા જ્યારે સેક્ધડ ફ્લોર પર એસી. કોમ્યુનીટી હોલ અને એ.સી. રૂમની સગવડતા હશે: સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શહેરીજનોની સુખાકારી માટે 19 કોમ્યુનીટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કુલ 27 યુનિટ છે. જે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને સારા-માઠાં પ્રસંગો માટે નજીવા ભાડેં આપવામાં આવે છે. દરમિયાન હવે શહેરના વોર્ડ નં.1માં રામેશ્વર હોલની પાછળ નાણાવટી ચોકથી નયારા પેટ્રોલના રસ્તે આવેલા સંતોષ પાર્ક મેઇન રોડ પર 12 કરોડના ખર્ચે અત્યાધુનીક સુવિધાઓથી સજ્જ વધુ એક કોમ્યુનીટી હોલનું નિર્માણ કરવામાં આવશે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ સહિત અલગ-અલગ 45 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે શહેરીજનોની સુખાકારી માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં 19 કોમ્યુનીટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કુલ 27 યુનિટ છે. સગવડતા મુજબ રૂ.2,000થી 35,000 રૂપિયા સુધીનું ભાડું વસૂલવામાં આવે છે. હવે શહેરના વોર્ડ નં.1માં ટીપી સ્કિમ નં.22 (રૈયા)ના ફાઇનલ પ્લોટ નં.60/એ અંતર્ગત સંતોષ પાર્ક મેઇન રોડ પર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કોમ્યુનીટી હોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ માટે રૂ.11,45,51,000ના એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. જેમાં બે એજન્સીઓની ઓફર આવી હતી. આ હોલનું નિર્માણ મૂળ એસ્ટીમેન્ટ કરતા 6.74 ટકા વધુ સાથે વિનય ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લીમીટેડે કરવાની ઓફર આપી હતી. તે એલ-1 હોય તેની સાથે વાટાઘાટ કરતા 6.74 ટકા ઓન ઘટાડીને 5.50 ટકા ઓન સાથે કામ કરવાની તૈયારી દેખાડી છે. હવે વોર્ડ નં.1માં કોમ્યુનીટી હોલ બનાવવા માટે રૂ.12.08 કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે વોર્ડ નં.1માં સંતોષ પાર્ક મેઇન રોડ પર બનનારા આ કોમ્યુનીટી હોલમાં કુલ 5,105 ચો.મી.નું આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરનું બાંધકામ કરવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની સુવિધા જ્યારે ફર્સ્ટ ફ્લોરમાં કોમ્યુનીટી હોલ, ડાઇનીંગ હોલ, કિચન, સ્ટોરરૂમ, એટેચ ટોયલેટની સુવિધા, સેક્ધડ ફ્લોર પર એસી કોમ્યુનીટી હોલ, ડાઇનીંગ હોલ, કીચન, સ્ટોરરૂમ, એટેચ ટોયલેટ સાથેના વર અને ક્ધયાના એસી રૂમ બનાવવામાં આવશે. તમામ વર્ગોને પોસાય તે માટે કોમ્યુનીટી હોલનો પ્રથમ માળ નોન એસી જ્યારે બીજો માળ એસી રાખવામાં આવશે. આ હોલનું નિર્માણ થવાના કારણે ન્યૂ રાજકોટમાં વસવાટ કરતા લોકોને સારા-માઠાં પ્રસંગો માટે સસ્તા ભાવે ઉચ્ચ સુવિધા પ્રાપ્ત થશે.