આઇ.સી.સી. ક્રિકેટ વર્લ્ક કપનો દબદબાભેર આરંભ થઇ ચૂકયો છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આગામી શનિવારે ક્રિકેટ વિશ્ર્વની સૌથી મોટી રાઇવલી સમાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રન સંગ્રામ ખેલાશે.ભારત અને પાકિસ્તાન ટીમનું અમદાવાદમા આગમન થઇ ચુકયું છે.
કિશાનપરા ચોક, પેડક રોડ, પાણીના ઘોડા પાસે, સોરઠીયાવાડી સર્કલ, મવડી ચોકડી ખાતે જીવંત પ્રસારણ નીહાળી શકાશે
ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્લ્ડકપમાં બન્ને ટીમો પોતાની પ્રથમ બે મેચ જીતી ચૂકી હોય, શનિવારનો ભારત-પાકિસ્તાનનો મેચ હાઇવોલ્ટેજ સાથે ભરપુર રોમાંચક બની રહેશે.ત્યારે ભારત-પાકિસ્તાનના મેચને લઇને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટિયન્સ માટે 4 જુદા જુદા સ્થળેથી મેચના લાઇવ પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા તેમજ સમાજ કલ્યાણ વિભાગના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સહિતના પદાધિકારીઓ એક સંયુક્ત રીતે ં જણાવે છે કે, આગામી શનિવારના રોજ યોજાયેલ ભારત – પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને તમામ ભારતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટિયન્સ પણ આ મેચનું લાઇવ પ્રસારણ મોટા એલ.ઈ.ડી. સ્ક્રીન મારફત સરળતાથી નિહાળીને માણી શકે તેવા શુભ આશયથી કુલ 4(ચાર) જાહેર સ્થળોથી શહેરીજનો માટે લાઈવ પ્રસારણ કરવામાં આવશે, જેમાં કિશાનપરા ચોક, પેડક રોડ, પાણીના ઘોડા પાસે, સોરઠીયાવાડી સર્કલ, તેમજ મવડી ચોકડી ખાતે બહોળી સંખ્યામાં લોકોને આ મેચનું લાઈવ પ્રસારણ માણવા અનુરોધ કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે ભારત અને પાકિસ્તાનના રોમાંચક મેચ માટે ક્રિકેટરસીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તેમાં પણ રાજકોટ મહાનગરપાલિકાએ ભારત-પાકિસ્તાનના મેચ માટે શહેરમાં અલગ અલગ ચાર જગ્યાએ જેમ કે કિશાનપરા ચોક, પેડક રોડ, પાણીના ટાંકા પાસે, સોરઠીયાવાડી સર્કલ તેમજ મવડી ચોકડી ખાતે બહોળી સંખ્યામાં ક્રિકેટ રસીકો મેચોનો ભરપુર આનંદ માણે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.