હયાત પાણી વેરો 840 થી વધારી 1680 સુધી કરવાની વિચારણાં: કોમર્શિયલ મિલકતોમાં ગાર્બેજ ચાર્જ પણ વધે તેવી સંભાવના

રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ-2023-24નું વાર્ષિક અંદાજપત્ર આગામી માસના અંતે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં પાણી વેરાના દરમાં વધારો સૂચવવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. આ ઉપરાંત કોમર્શિયલ મિલકતોમાં પણ ગાર્બેજ ચાર્જમાં પણ વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવે તેવું હાલ જણાઇ રહ્યું છે.

વર્ષ-2008-2009ના બજેટમાં કોર્પોરેશન દ્વારા પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો હતો. વોટર ટેક્સ વાર્ષિક રૂ.600થી વધારીને રૂ.840 કરવામાં આવ્યો હતો. દરમિયાન સમયાંતરે મ્યુનિ.કમિશનર દ્વારા પાણીના દરમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવતી હતી પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખી શાસકો દ્વારા દર વખતે કરબોજ ફગાવી દેવામાં આવતો હતો. ચાલુ સાલ એકપણ ચૂંટણી યોજાવાની નથી ત્યારે મહાપાલિકાએ પાણીના વર્તમાન દરમાં વધારો કરવાનું મન બનાવી લીધું છે.

મ્યુનિ.કમિશનર દ્વારા રહેણાંક હેતુ માટેની મિલકતમાં હાલ પાણી વેરો જે 840 રૂપિયા વસૂલવામાં આવે છે તે વધારીને 1680 કરવાની, જ્યારે કોમર્શિયલ મિલકતોનો પાણી વેરાનો દર 1680 થી વધારી 3360 રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. શહેરમાં કુલ 3.34 લાખ નળ જોડાણ આવેલા છે. પાણી વેરા પેટે કોર્પોરેશનને વાર્ષિક રૂ.33 કરોડ જેવી આવક થવા પામે છે. શહેરની વસતી અને વિસ્તાર સતત વધી રહ્યાં છે. જેની સામે જળસ્ત્રોત વધતાં નથી. ડેમ છલકાયાં બાદ માત્ર ત્રણ મહિના જ પાણી પ્રશ્ર્ને આત્મનિર્ભર રહ્યાં બાદ સરકાર પાસેથી પાણી માંગવું પડે છે.

ટૂંકમાં વેંચાતું પાણી લઇ કોર્પોરેશન રાજકોટવાસીઓને મફ્તના ભાવમાં આપે છે. હવે 15 વર્ષ બાદ પાણી વેરામાં વધારો કરવા સિવાય કોઇ વિકલ્પ કોર્પોરેશન પાસે બચ્યો નથી. હવે જોવાનું એ રહે છે કે જાન્યુઆરી માસના અંતમાં જ્યારે મ્યુનિ.કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવે ત્યારે તેમાં પાણી વેરાના દરમાં વધારો સૂચવવામાં આવે છે અને સ્ટેન્ડિંગ કમિટી બજેટના અભ્યાસ બાદ પાણી વેરામાં કેટલો વધારો માન્ય રાખશે. હાલ એક વાત નિશ્ર્ચિત છે કે પાણી સહિતના અનેક વેરામાં કોર્પોરેશન દ્વારા વધારો ઝીંકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.