રાજ્ય સરકાર દ્વારા આજથી રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) પ્રવેશ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે પરિવાર માત્ર સંતાનમાં એક જ દિકરી ધરાવતા હોય તેઓને ખાસ આ યોજના અંતર્ગત શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. દરમિયાન મહાપાલિકા દ્વારા આ સર્ટીફીકેટ આપવાની કામગીરી બંધ હોવાના કારણે વાલીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આજથી સિંગલ ડોટર ચાઈલ્ડના સટીફીકેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. વાલીઓની સરળતા માટે આરોગ્ય શાખાના જન્મ-મરણ વિભાગના સુપ્રીટેન્ડેન્ટને જવાબદારી સોંપી દેવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામુલ્યે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે.

જે અન્વયે હાલ ચાલી રહેલ પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ પ્રક્રિયામાં જુદી જુદી કેટેગરીના બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે. જે તે કેટેગરીના બાળકો પ્રવેશ માટે પ્રમાણપત્રો નિયત સમયમાં સરળાથી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં રાજકોટ શહેર વિસ્તારમાં રહેતા કુટુંબોના બાળકો કે જેને સંતાનમાં માત્ર એજ દીકરી હોય તેઓને આ અંગેનું પ્રમાણપત્ર અપાશે.

આ માટેની વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે જે અંગેની જવાબદારી આરોગ્ય શાખાના જન્મ-મરણ વિભાગના સુપ્રિટેન્ડેન્ટને સોંપવામાં આવી છે. આ પ્રમાણપત્ર મેળવવા ઇચ્છતા પરિવારના વાલીઓએ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ (http://www.rmc. gov.in/rmcwebsite /docs/RTESingleG irlChildAp pliSogandnamu.pdf) પરથી ફોર્મ ડાઉનલોડ કરી નમુના પ્રમાણે સોગંદનામું કરી રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીના સિટી સિવિક સેન્ટર ખાતે અરજી કરવાની રહેશે.

અગાઉ આ સર્ટીફીકેટમાં સહી કરવાની ઓથોરીટી ડીએમસીને આપવામાં આવી હતી. પરંતુ વાલીઓને સાનુકુળતા રહે તે માટે આ વર્ષે આ જવાબદારી જન્મ-મરણ વિભાગના સુપ્રીટેન્ડેન્ટને સોંપી દેવામાં આવી છે. ગયા વર્ષે 236 પરિવારોને આ પ્રકારની સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.