દબાણ હટાવ શાખાની ટીમ દ્વારા શહેરભરમાં કામગીરી: કોર્પોરેશનની હોર્ડિંગ્સ સાઇટ અને કિયોસ્ક બોર્ડ પરથી પણ સરકારી જાહેરાતો હટાવી દેવાઇ
વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચાર સંહિતા લાગૂ થઇ જવા પામી છે. કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા ગઇકાલ બપોરથી શહેરના અલગ-અલગ રાજમાર્ગો પર લગાવવામાં આવેલી રાજકીય પક્ષોની ઝંડીઓ, નેતાઓના ફોટા, બોર્ડ-બેનરો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે બપોર સુધીમાં 2600થી વધુ બોર્ડ-બેનરો, પોસ્ટરો અને ઝંડીઓ હટાવી દેવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ દબાણ હટાવ શાખા દ્વારા ગઇકાલ બપોરથી શહેરભરમાં પૂરજોશમાં ઝંડીઓ અને બેનરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અલગ-અલગ રાજમાર્ગો પરથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ઝંડીઓ ઉતારી લેવામાં આવી છે. આ ઉપરાંત ભીંત પર રાજકીય પક્ષોના ચિન્હો ચિતરવવામાં આવ્યા હોય તેના પર પણ પીંછડા મારી દેવામાં આવ્યા છે. આજે સાંજ સુધી આ કામગીરી મહંદઅંશે પૂર્ણ થઇ જાય તેવું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોર્પોરેશનની અલગ-અલગ હોર્ડિગ્સ સાઇટ અને કિયોસ્ક બોર્ડ પર જે સરકારી જાહેરાતો પ્રસારિત થતી હતી તેને હટાવી દેવામાં આવી છે. આદર્શ આચાર સંહિતાની ચુસ્ત અમલવારી કરાવવા માટે તંત્ર યુદ્વના ધોરણે કામ કરી રહ્યું છે.