ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર ડો.પ્રદિપ ડવ અને શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા કલેક્ટર અરૂણ મહેશ બાબુને રૂબરૂ મળ્યા
વિધાનસભા દક્ષિણ વિસ્તારમાં હેમુ ગઢવી હોલ જેવું અત્યાધુનિક સુવિધાથી સજ્જ ઓડિટોરિયમ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા જિલ્લા કલેક્ટર પાસે જમીનની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ ઉપરાંત કોર્પોરેશન અને કલેક્ટરની સંયુક્ત માલિકીના પ્લોટમાં ખડકાયેલા દબાણો દૂર કરવા માટે જોઇન્ટ ડીમોલીશન હાથ ધરવા સહિતના મુદ્ાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આજે સવારે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર ડો.પ્રદિપ ડવ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુને મળવા ગયા હતા. વિધાનસભા દક્ષિણ-70 વિસ્તારમાં આવેલા ઢેબર રોડ (સાઉથ) અટીકા વિસ્તારમાં આહિર ચોક પાસે આવેલી અંદાજે 14000 ચો.મી. જમીન પર ઓડિટોરિયમ બનાવવાની વિચારણાં ચાલી રહી છે. આ જમીન રાજ્ય સરકારની માલિકીની છે. અને કલેક્ટર હસ્તકની હોય અને ઓડિટોરિયમ બનાવવા માટે આ જમીનની ફાળવણી મહાપાલિકાને કરવા માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવા કલેક્ટરને તાકીદ કરવામાં આવી છે.તેઓએ પણ શક્ય તેટલા ઝડપી કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપી છે.
કોર્પોરેશન અને કલેક્ટરની સંયુક્ત માલિકીના જમીનોમાં દબાણો દૂર કરવા હાથ ધરાશે જોઇન્ટ ડીમોલીશન
છેલ્લાં એક દશકામાં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં 7 ગામોનો સમાવેશ આવ્યો છે. જેના કારણે મહાપાલિકાને મળેલી કેટલીક જમીનો એવી છે કે જેમાં અમૂક હિસ્સો કલેક્ટરની માલિકીનો હોય, સંયુક્ત માલિકીની જમીનમાં ખડકાયેલા દબાણ દૂર કરવા અગાઉ મેયર દ્વારા પત્ર લખી કલેક્ટરને સૂચન કરવામાં આવ્યો હતો. પરંતુ આજ સુધી તેનો કોઇ નિવેડો આવ્યો નથી. દરમિયાન આજની મિટિંગમાં કલેક્ટરે આ અંગે ઉઘરાણી કરી હતી. જેમાં કલેક્ટરે એ વાત પર સહમત થયાં છે કે સંયુક્ત માલિકીની જમીનો પર આગામી દિવસોમાં જોઇન્ટ ડિમોલીશન હાથ ધરવામાં આવશે.