ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ, શ્રધ્ધા ક્લિનિક એન્ડ ડેન્ટલ કેર, લાઇફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, મોડર્ન હોસ્પિટલ, ઇશા હોસ્પિટલ, ઓમ હોસ્પિટલ, યુનિક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર તથા મેડકેર એન્ડ ક્યોર હોસ્પિટલે બિલ્ડીંગ યુઝ પરમિશન ન મેળવી હોય તાળા લગાવી દેવાયાં
રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બિલ્ડીંગ યુઝ પરમિશન વિના ધમધમતી 8 હોસ્પિટલોને સીલ કરી દેવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે મહાપાલિકાના હદમાં આવેલી હોસ્પિટલોને જુદા-જુદા કારણોસર જેવા હેતુફેર, માર્જીન અને પાર્કિંગમાં ગેરકાયદેસર દબાણ, સૂચિતમાં દબાણ અથવા ગેરકાયદે બાંધકામ હોવાના કારણે બિલ્ડીંગ યુઝ પરમિશન આપી ન હોવા છતાં આવી બિલ્ડીંગનો ગેરકાયદે ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો. તમામ બિલ્ડીંગના આસામીઓને ભોગવટા પરવાનગીની વિગતો રજૂ કરવા માટે ધ જીપીએમસી એક્ટ-1949ની કલમ-268 હેઠળ નોટીસ ફટકારવામાં આવીહતી. જે અંતર્ગત જરૂરી આધાર-પૂરાવા રજૂ કરવામાં નિષ્ફળ જનાર 8 બિલ્ડીંગોને સીલ કરવામાં આવી છે.
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર બસસ્ટોપ પાસે ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ, મવડી ચોકડી પાસે શ્રધ્ધા ક્લીનીક એન્ડ ડેન્ટલ કેર, 150 ફૂટ રીંગ રોડ, 40 ફૂટ રોડ મવડી પ્લોટમાં પટેલ નગર સોસાયટીમાં લાઇફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, કુવાડવા રોડ પર 80 ફૂટ રોડ સ્થિત મોડર્ન હોસ્પિટલ, સંત કબીર રોડ પર જય ભોજલરામમાં ઇશા હોસ્પિટલ, ગાયત્રી નગર મેઇન રોડ પર ઓમ હોસ્પિટલ, 25-ન્યૂ જાગનાથ મેઇન રોડ યુનિક હોસ્પટલ એન્ડ રિસર્ચ સેન્ટર તથા વિદ્યાનગર મેઇન રોડ પર ડો.અમિત ગાંધી હોસ્પિટલની સામે શિવમ જયમીન સ્કેરમાં મેડીકેર એન્ડ ક્યોર હોસ્પિટલને સીલ કરવામાં આવી છે.
આ તમામ હોસ્પિટલના સંચાલકોને આજથી 2 માસ પૂર્વે નોટીસ ફટકારી બિલ્ડીંગ યુઝ પરમિશનના આધાર-પૂરાવા રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.પરંતુ તેઓએ નિયમ સમય મર્યાદામાં જરૂરી પુરાવા રજૂ ન કરતા તમામ 8 હોસ્પિટલોના બિલ્ડીંગોને આજે સીલ કરી દેવામાં આવ્યા છે.