- ચોમાસામા રસ્તાઓ પર પડતા ખાડાઓની તાત્કાલીક મરામત થાય તે માટે ઝોનવાઈઝ ‘કિવક રિસ્પોન્સ’ ટીમની રચના કરવા મ્યુ. કમિશ્નર આનંદ પટેલનો આદેશ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષાઋત અનુસંધાને આપત્તિ સામેની બચાવ અને રાહત કામગીરીની વ્યવસ્થા માટે આગોતરી તૈયારી કરવાના ભાગરૂપે મ્યુનિ. કમિશનર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદીજુદી શાખાઓના અધિકારીશ્રીઓને સુપરત થયેલી કામગીરી કરવા અંગે કમિશનરએ જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં નાયબ કમિશનરઓ સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી અને બી. વી. લીંબાસિયા ઉપરાંત ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર, તમામ સિટી એન્જિનિયરઓ, સહાયક કમિશનરઓ, તથા અન્ય સંબંધિત શાખાધિકારીઓ હાજર રહ્યા હતા.
આ તકે એ ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે, વર્તમાન વર્ષમાં સ્વચ્છ ભારત મિશન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે સપ્તાહથી વોંકળાઓની સફાઈ પર વિશેષ ભાર મુકવામાં આવેલ છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે, જે વોંકળાઓ પાસેથી રસ્તા પસાર થતા હોય તેવા વોંકળાઓને પતરાઓની આડશ પણ કરવામાં આવેલ છે, જેનાથી લોકો કચરો સીધો જ વોંકળામાં નાંખતા અટક્યા છે. મ્યુનિ. કમિશનર આનંદ પટેલે વોંકળાઓમાં જો હજુ પણ ક્યાંય કચરો કે સી. એન્ડ ડી. વેસ્ટ પડેલો દેખાય તો તેનો તુર્ત જ નિકાલ કરવા અને પાણીના પ્રવાહને કોઈ અવરોધ ન નડે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સમયાંતરે વોંકળાઓની મુલાકાત લેતા રહી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
મ્યુનિ કમિશનરએ આ વખતે એક વિશેષ પગલું ઉઠાવતા, ચોમાસાને કારણે રસ્તાઓ પર પડતા ખાડાઓની તાત્કાલિક મરામત થાય તે માટે ઝોનવાઈઝ ક્વિક રિસ્પોન્સ ટીમ રચવા પણ આદેશ કર્યો છે. આ ઉપરાંત ડ્રેનેજ કે ખુલ્લી ગટરની સફાઈ કામગીરી દરમ્યાન જાહેર સલામતી ખાતર, રસ્તા પર કામ ચાલુ છે તેની જાણકારી લોકોને મળી રહે તે માટે વર્ક ઇન પ્રોગ્રેસના બોર્ડ ગટરના ઢાંકણાં પાસે કે ખુલ્લી ગટર પાસે અચૂક રાખવા સૂચના પણ આપી હતી. ઉપરાંત જે સ્થળોએ વરસાદી પાણી વિશેષ પ્રમાણમાં ભરાતા હોય ત્યાં પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે જરૂરી સાધનો હાથવગા રાખવા પણ અધિકારીઓને ખાસ સૂચના અપાઈ હતી.
ચોમાસા પૂર્વે શહેરમાં જર્જરિત મકાનો અનુસંધાને સંબંધિત મકાન માલિકને મકાન ખાલી કરવા કે તોડવા પૈકી જે કામની આવશ્યકતા હોય તે અંગે નોટિસ પાઠવવા કમિશનરએ ખાસ સૂચના આપી હતી.
રાજકોટ શહેરમાં નદી, નાળા કે વોંકળાની નજીકમાં આવેલ શાળાઓ કે આંગણવાડીઓમાં સેફટી અંગેની જરૂરી ચકાસણી કરવા અને જરૂરિયાત જણાયે તુર્ત જ શાળાઓ કે આંગણવાડીઓ અન્ય સલામત સ્થળે શિફ્ટ કરી લેવા સૂચના આપવામાં આવેલ હતી.
આ વર્ષે સામાન્ય કરતા વધુ સારૂ ચોમાસું થવાની આગાહી છે ત્યારે ચોમાસ દરમ્યાન કે ત્યારબાદ રોગચાળો પ્રસરે નહીં તે માટે તમામ શક્ય આગોતરા પગલાં લેવા આરોગ્ય અને મેલેરિયા વિભાગને એલર્ટ કરવામાં આવેલ હતાં. જેમાં જળ સંગ્રહ થતો હોય ત્યાં મચ્છરના બ્રિડીંગ ન થાય તેની કાળજી લેવા આવશ્યક તમામ કાર્યવાહી કરવા પણ કમિશનરશ્રીએ સૂચના આપી હતી.
શહેરમાં જ્યાં ક્યાંય પણ ખોદકામ કે અન્ય સિવિલ વર્ક થતા હોય ત્યાં જાહેર સલામતી માટે જરૂરી બેરીકેડિંગ અચૂકપણે થાય તે માટે વિશેષ કાળજી રાખવા સંબંધિત શાખાઓને ખાસ સૂચિત કરવામાં આવેલ.
ભારે વરસાદ દરમ્યાન નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા અને તેઓ માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ થાય તે માટે અત્યારથી જ જરૂરી સંકલન કરી રાખવા અને જે સ્થળે લોકોનું સ્થળાંતર સરળતાથી કરી શકાય તેવી શાળાઓ અત્યારથી જ આઇડેન્ટિફાય કરી લઇ ત્યાં જરૂરી સેવા અને સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.