મંડપ-છાજલી નાખનાર પાસેથી રૂા.3.14 લાખનો ચાર્જ વસુલાયો: 13 રેંકડી-કેબીન જપ્ત

કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા એક સપ્તાહમાં શહેરના અલગ અલગ રાજમાર્ગો પરથી 653 બોર્ડ બેનરો હટાવી લેવામાં આવ્યા છે. દબાણ ખડકનાર આસામીઓ પાસેથી 89000નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. જ્યારે 13 રેંકડી-કેબીનો જપ્ત કરવામાં આવી છે.

દબાણ હટાવ શાખા દ્વારા આજે સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એક સપ્તાહમાં રાજમાર્ગો પરથી 653 બોર્ડ બેનરો હટાવવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું છે. કોઠારીયા રોડ, માર્કેટીંગ યાર્ડ રોડ, નાના મવા રોડ, સાધુ વાસવાણી રોડ, પુષ્કરધામ રોડ, નાણાવટી ચોક, મવડી મેઈન રોડ સહિતના વિસ્તારમાંથી 13 રેંકડીઓ જપ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત અલગ અલગ જગ્યાએથી 31 પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો છે. 300 કિલો ફળ-ફુલ અને શાકભાજીનો જથ્થો જપ્ત કરાયો છે. મંડપ અને છાજલી નાખનાર પાસેથી રૂા.3.14 લાખનો દંડ વસુલ કરાયો છે. દબાણ ખડકી દેનાર આસામીઓ પાસેથી રૂા.89,000નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.