ધારાસભ્ય લલીતભાઇ કગથરાની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશ્ર્નરને કોંગ્રેસની રજુઆત: ભાજપની ઝંડીઓ ઉતારી લેવાની ચિમકી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલીતભાઈ કગથરાની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશ્ર્નરને રજૂઆત કરવામાં આવેલ છે કે આવતીકાલે “ચાલો કોંગ્રેસની સાથે-માં ના દ્વારે” રેલી અંતર્ગત રૂટ ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું પ્રચાર સાહિત્ય લગાડવામાં આવેલ હોય જેના ભાગરૂપે મહાપાલિકા દ્વારા મંજુરી આપવામાં આવેલ હોય તેમજ બેનરના પ્રચાર સાહિત્યના નાણા ભરપાઈ કરવામાં આવ્યા હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ઠેકઠેકાણે રેલીના રૂટ ઉપરથી ઝંડા-ધજા-પતાકા ઉતારવામાં આવી રહ્યા હોઈ ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ભાજપ જેવી ભેદી નીતિ ધરાવતા દબાણ હટાવ શાખાના વડા તરીકે ભાજપ દ્વારા બેસાડવામાં આવેલ બારૈયા અને અધિકારીઓ ઉપર નિશાન તાકતા કહ્યું કે શા માટે કોંગ્રેસનો કાર્યક્રમ હોય ત્યારે જ ઝંડા-ધજા હટાવવામાં આવે છે ?
ભાજપના કેમ ઉતારવામાં આવતા નથી ? જયારે ભાજપની ઝંડી-ધજા રોશની શાખાના વાહનો દ્વારા લગાડવામાં આવે છે ત્યારે મનપાનું તંત્ર કેમ આંખ આડા કાન કરે છે? અને કેમ છેક છ-છ માસ સુધી ભાજપની ઝંડીઓ ઉતારવામાં નથી આવતી? એક ને ખોળ અને બીજાને ગોળ જેવી નીતિ મનપાના તંત્ર દ્વારા કેમ અપનાવવામાં આવે છે? જો આમ ચાલુ રહેશે તો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીએ કોંગ્રેસની મ્યુનિસિપલ કમિશ્નરને ચીમકી આપતા જણાવ્યું કે જો આવું ચાલુ રહેશે તો આગામી સમયમાં ભાજપની ઝંડી-ઝંડા કોંગ્રેસના કાર્યકરો ઉતારશે.આ રજુઆતમાં ઉપસ્થિત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા, વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, એસ.સી. વિભાગ ચેરમેન નરેશભાઈ સાગઠીયા, સુરેશભાઈ બથવાર, ગોપાલભાઈ અનડકટ, વોર્ડ પ્રમુખ ગીરીશભાઈ પટેલ, કેતન તાળા, પ્રહલાદસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ રાણા, કલ્પેશભાઈ સાધરાની, અરવિંદભાઈ મુછડિયા, દીપ ભંડેરી, મનોજભાઈ ગેડિયા, મયુરભાઈ સરવૈયા, સહિતના આગેવાનો-કાર્યકરો બહોળી સંખ્યામાં રજૂઆતમાં ઉપસ્થિત રહ્યા હતા.