બંને સ્થળોએ વાસી મીઠાઇના જથ્થાને રિફ્રેશ કરી વેંચાણ કરવામાં આવતું હોવાનો ધડાકો
નવરાત્રિ અને દશેરાના તહેવારો મીઠાઇનું વેંચાણ વ્યાપક પ્રમાણમાં થતું હોય છે આવામાં વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે માધાપર વિસ્તારમાં જય ખોડીયાર ડેરી ફાર્મ અને શ્રી જલારામ જાંબુવાળાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. બંને સ્થળે વાસી મીઠાઇના જથ્થાને રિફ્રેશ કરી ફરી વેંચાણ કરવામાં આવતું હોવાનું કારસ્તાન પકડાયું હતું. 180 કિલો મીઠાઇના જથ્થાનો નાશ કરી બંનેને નોટિસ ફટકારવામાં આવી હતી અને મીઠાઇના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આજે નાયબ મ્યુનિ.કમિશનર આશિષ કુમારના આદેશ બાદ ડેઝીગ્નેટેડ ઓફિસર એન.એ. પંચાલના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમ શહેરના જામનગર રોડ પર માધાપર ગામમાં આવેલી નંદનવન સોસાયટીમાં ત્રાટક્યો હતો. અહિં જય ખોડિયાર ડેરી ફાર્મના ઉત્પાદન કેન્દ્રમાં ચકાસણી કરવામાં આવી હતી. સ્થળ પર કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલી જૂની અને વાસી મીઠાઇના રિફ્રેશ કરી ફરી માર્કેટમાં વેંચાણમાં કરવાના હેતુ માટે રાખવામાં આવી હોવાનું જણાતા વાસી અને અખાદ્ય અંજીર બરફી, ચોકલેટ બરફી સહિતની 110 કિલો મીઠાઇનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને ઓરેન્જ ચમચમ બંગાળી મીઠાઇનો નમૂનો લેવામાં આવ્યો છે. ત્યારબાદ ફૂડ વિભાગનો કાફલો માધાપર ગેઇટ પાસે ભવનાથ પાર્કમાં શ્રી જલારામ જાંબુવાળાને ત્યાં ત્રાટક્યો હતો. અહીં પણ ફ્રીઝમાં જૂની અને વાસી મીઠાઇનો જથ્થો રિફ્રેશ કરી ફરી વેંચાણના હેતુ માટે રાખવામાં આવ્યો હતો. પેંડા, કેશર પેંડા, થાબડી, બરફી, અંગુરી પનીર સહિતની 70 કિલો મીઠાઇ અને 3 કિલો એક્સપાયર થયેલા ફૂડ કલરનો નાશ કરવામાં આવ્યો હતો અને મોતીચુરના લાડુનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
સદર બજારમાં ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે 19 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. છ વેપારીઓ ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી. 15 સ્થળે નમૂનાનું ચેકીંગ કરવામાં આવ્યું હતું.