- કોઇપણ ભોગે 10 દિવસમાં સ્માર્ટ સિટીનું કામ પુરૂં કરવા કોર્પોરેશનના રાત ઉજાગરા
- ચાર સિટી એન્જિનિયર સહિતના કાફલાને માત્ર સ્માર્ટ સિટી પ્રોજેક્ટના કામમાં જોતરી દેવાયો: મ્યુનિ.કમિશનર પણ ગાંધીનગર દોડી ગયા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આગામી 25 ફેબ્રુઆરીના રોજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ચાલતા રોબર્સ્ટ ઇન્ફ્રા. તથા અટલ સરોવર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. સ્માર્ટ સિટીનું ઘણું કામ હજુ બાકી હોય આગામી 10 દિવસમાં તમામ કામ પૂર્ણ કરવા માટે કોર્પોરેશન દ્વારા રાત ઉજાગરા શરૂ કરવામાં આવ્યા છે. ચાર સિટી એન્જીનિંયર સહિત 33 અધિકારીઓને માત્રને માત્ર સ્માર્ટ સિટી પ્રોજેક્ટની વધારાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. દરમિયાન મ્યુનિ.કમિશનર આનંદ પટેલ પણ આજે અચાનક ગાંધીનગર દોડી ગયા હતા.
સ્માર્ટ સિટી અંતર્ગત રૂ.136 કરોડનો અટલ સરોવર પ્રોજેક્ટ અને રૂ.540 કરોડનો રોબર્સ્ટ ઇન્ફ્રા.ના પ્રોજેક્ટનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્માર્ટ સિટીનું 85 થી 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે પરંતુ વાસ્તવમાં 60 થી 70 ટકા જેટલું જ કામ પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 25મી ફેબ્રુઆરીના કાર્યક્રમમાં રોબસ્ટ ઇન્ફ્રા. અને અટલ સરોવરના કામનું લોકાર્પણ કરી દેવામાં આવે તેવી શક્યતા જણાઇ રહી છે ત્યારે સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું કામ 10 દિવસમાં પુરૂં કરવા માટે ડીએમસી દ્વારા તાત્કાલીક હુકમ કરી ચાર સિટી એન્જીનિંયર સહિત 33 અધિકારીઓને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
જેમાં રોબસ્ટ ઇન્ફ્રા. પ્રોજેક્ટ માટે સિટી એન્જીનિંયર પી.ડી.અઢીયા ઉપરાંત કે.કે. મહેતા, જે.ડી. કુકડીયા સાથે હેમેન્દ્ર કોટક, શૈલેષ સીતાપરા, મુકેશ વડુકુલ, અભેસિંહ રાઠવા, ડી.કે.અગ્રાવત, ગોવિંદ હરણ, રમેશ ભારદ્વાજ, હિતેશ પાંભર, મયુર ગોહેલ, દિપેન તેરૈયા, વિમલ અગ્રાવત, મહેશ શિયાળી, હેમુ ગઢવી, નટવર વણઝારા, આશુતોષ કાચા અને મુકેશ રાઠોડને વધારા જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે અટલ સરોવર પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવા માટે સિટી એન્જીનિંયર અલ્પના મિત્રા ઉપરાંત આશિષ રૂપાપરા, અજય વેગડ, ધીરેન કાપડીયા, પ્રદિપ કંડોળીયા, આર.કે. હિરપરા, બી.ડી. જીવાણી, આર.વી.જલુ, આર.સી. બગથરીયા, વી.એચ. ઉમટ, કે.પી.દેથરિયા, કે.એસ.કરાડી અને પ્રકાશ કાસુન્દ્રાને જવાબદારી સોંપવામાં આવી છે.