હાલ રાજકોટમાં માત્ર એક જ એક્ટિવ કેસ: વેક્સિનેશન કેમ્પ યોજવાનું પણ આયોજન
કોરોનાએ વિશ્ર્વના અનેક દેશોમાં ફરી માથું ઉંચક્યું છે ત્યારે શહેરમાં ફરી કોરોનાનો કહેર ન વધે તે માટે કોર્પોરેશનનું તંત્ર સજ્જ બની ગયું છે. આગામી દિવસોમાં ટેસ્ટીંગ પણ વધારવામાં આવશે. સાથોસાથ વેક્સિનેશનના કેમ્પ પણ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જરૂર પડશે તો બસ પોર્ટ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવશે. હાલ તંત્ર સંપૂર્ણપણે સંતર્ક બની ગયું છે.
રાજ્ય સરકારના આદેશ બાદ શહેરમાં કોરોનાના જેટલા પોઝિટીવ કેસ નોંધાયા છે તે તમામના જીનોમ સિક્વન્સીંગ રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવી રહ્યાં છે. બીજી તરફ હાલ શહેરમાં એકમાત્ર એક્ટિવ કેસ છે.
કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ વધારવામાં આવી રહ્યું છે. હાલ તમામ આરોગ્ય કેન્દ્રો પર ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. જ્યાં પર્યાપ્ત માત્રામાં ટેસ્ટીંગ કીટ ઉપલબ્ધ છે. કોવેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યાં છે. પરંતુ કોવિશિલ્ડ હાલ ઉપલબ્ધ નથી જેના ડોઝ પણ રાજ્ય સરકાર પાસે માંગવામાં આવ્યા છે.
ગઇકાલે 244 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જે પૈકી એકપણ દર્દીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો ન હતો. જે લોકો તાવ, શરદી અને ઉધરસના લક્ષણો જણાય તે લોકોએ ટેસ્ટ કરાવી લેવા અપિલ કરવામાં આવી છે.