અબતક, રાજકોટ
કોર્પોરેશન દ્વારા અમિન માર્ગ રોડ પર ફૂડ ઝોન બનાવવા અંગેની કામગીરી હાલ ચાલી રહી છે. જ્યારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ તરફ જતા અંબિકા પાર્કવાળા રોડ પર એક નવો હોકર્સ ઝોન બનાવવા અંગેની પ્રક્રિયા અનુસંધાને આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આ બંને સ્થળોની રૂબરૂ મુલાકાત કરી હતી.
અમિન માર્ગ રોડ કોર્નર પર 150 ફૂટ રિંગ રોડના છેડે આવેલા પ્લોટમાં હાલ ફૂડ કોર્ટ બનાવવાની કામગીરી ગતિમાં છે. આ સ્થળની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરે ફૂડ ઝોનમાં કોમર્શિયલ બોર્ડની સુવિધા બનાવી રેવન્યુ જનરેટ કરવા અંગે સૂચના આપી હતી. સાથો સાથ ફૂડ ઝોનમાં હયાત વૃક્ષોની નીચે બેઠક વ્યવસ્થા પણ ઉભી કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
આ ફૂડ ઝોનમાં આશરે 10 ફૂડ સ્ટોલ રહેશે. આ ઉપરાંત અંદાજીત 20 હોકાર્સનો શાકભાજી/ફળફળાદીના વ્યવસાય માટે પણ સમાવેશ થઇ શકશે. ઉપરાંત, લેડિઝ/જેન્ટસ માટે જાહેર શૌચાલય, પાર્કિંગ એરિયા, સેલ્ફી પોઈન્ટ અને સિટિંગ એરિયા સહિતની સુવિધાઓને આવરી લેવામાં આવશે.
આ ફૂડ ઝોનની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કાર્યવાહી કરવા કમિશનરે સૂચના આપેલ છે.સ્પીડવેલ પાર્ટી પ્લોટ તરફ જતા અંબિકા પાર્કવાળા રોડ પર એક નવો હોકર્સ ઝોન બનાવવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આ સ્થળની પણ રૂબરૂ મુલાકાત કરી હતી.
દબાણ હટાવ શાખા દ્વારા રોજબરોજ જે માલસામાન જાહેર માર્ગો પરથી જપ્ત કરવામાં આવે છે
તેને રાખવા ન્યારી ફિલ્ટર પાસેની હાલની જગ્યા પ્રમાણમાં ઓછું ક્ષેત્રફળ ધરાવતી હોઈ, વધુ સુવિધા અર્થે દબાણ હટાવ શાખાને વધુ ક્ષેત્રફળ ધરાવતી જગ્યા આપવા અંગે ચાલી રહેલી વિચારણાના અનુસંધાને જડુસ ચોક નજીક સરિતા વિહાર વાળા રોડ પર જે જગ્યા ઉપલબ્ધ છે તે ચકાસવા મ્યુનિ. કમિશનર અને અન્ય અધિકારીઓએ આ સ્થળની વિઝિટ કરી હતી.
આજની વિવિધ સાઈટની આ મુલાકાત દરમ્યાન કમિશનર અમિત અરોરાની સાથે ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહ, એડી. સિટી એન્જિનિયર કે.એસ.ગોહેલ, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, સહાયક કમિશનર એચ.કે.કગથરા, દબાણ હટાવ શાખાના અધિકારી પ્રતાપભાઈ બારીયા, ડેપ્યુટી એન્જિનિયર કુંતેશભાઈ મહેતા અને એ.ટી.પી. મકવાણા વગેરે હાજર રહયા હતાં.