રામનાથ પરામાં બનાવવામાં આવેલી ફૂલ બજારના 83 પૈકી 36 થડા ફાળવણી માટે યોજાયો ડ્રો: વેપારીઓ રાજી-રાજી
શહેરમાં રસ્તા પર બેસી ફેરિયાઓ ફૂલ વેચાણ કરે છે. ફૂલનું વેચાણ કરતા આ ફેરિયાઓને વેચાણ માટેની સુવિધા મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથપરા વિસ્તારમાં નવી ફ્લાવર માર્કેટનું નિર્માણ કરવામાં આવેલ છે. માર્કેટમાં કુલ 83 થડાઓ બનાવવામાં આવેલ છે. થડાઓ હાલ રસ્તા પર બેસી ફ્લાવરનો ધંધો કરતા વેન્ડર્સને ફાળવવાનુ નક્કી કરવામાં આવ્યું છે. આજે મેયર ડો. પ્રદિપ ડવ અધ્યક્ષ સ્થાને લાભાર્થીઓની ઉપસ્થિતમાં થડા ફાળવણી નંબર ડ્રો કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, માર્કેટ સમિતિ ચેરમેન દેવુબેન જાદવ, ડે.કમિશનર એ.આર.સિંહ, મ્યુનિસિપલ સેક્રેટરી ડો. હરીશ રૂપારેલીઆ, આસી.કમિશનર એચ.કે. કગથરા, આસી.મેનેજર બી.એલ.કાથરોટીયા પી.એ.ટુ ચેરમેન સ્ટેન્ડીંગ કમીટી હિમાંશુ મોલીયા તથા ફૂલ માર્કેટના લાભાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવએ તમામ લાભાર્થીઓને શુભેચ્છા આપતા જણાવ્યું કે રસ્તા પર ઘંધો કરતા ફૂલના વેપારીઓને ઠંડી, તડકો, વરસાદ વિગેરેની હાલાકીઓ ભોગવવી પડે છે જે ધ્યાને લઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જરૂરી સુવિધા સાથે ફૂલ માર્કેટ બનાવામાં આવેલ છે. શહેરના રેકડી મારફત ધંધો કરતા વેપારીઓ માટે જુદા જુદા વિસ્તારમાં હોકર્સ ઝોન પણ બનાવવામાં આવેલ છે.
આ પ્રકારે રાજકોટ મહાનગરપાલિકા ફેરીયાઓની સતત ચિંતા કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થડાઓ સોપ્યા બાદ રોડ પર બેસીને ફૂલનુ વેચાણ નહી કરવા મેયરે તાર્કીદ કરેલ હતી. સી કેટેગરીના 33 લાભાર્થીઓ અને બી કેટેગરી 3 મળી કુલ 36 લાભાર્થીઓને પદાધિકારીઓ અને અધિકારીઓના વરદ હસ્તે ચિઠ્ઠી ખેચીને થડા નંબર ફાળવણી ડ્રો કરવામાં આવેલ છે. આજના લાભાર્થીઓને આગળના થડાઓ આપવામાં આવે છે. તમામ કેટેગરીના થડા દીઠ પ્રતિ. ચો.ફુટના રૂ.1059/- સુખડીની રકમ ભરવાની થશે.